BREAKING NEWS

હિન્દુ વારસાઈ હક્કના દાવામાં કામચલાઉ મનાઈ હુકમ નહિ: રાજકોટ સિવિલ કોર્ટ

  • September 03, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ કોર્ટે હિન્દુ વારસાઈ હક્કના આધારે 15 વર્ષ જૂના વેચાણ દસ્તાવેજને પડકારતી અરજીમાં મહત્વનો ચુકાદો આપી વાદીનો કામચલાઉ મનાઈ હુકમ રદ કર્યો છે. કેસની વિગત મુજબ પડધરીના રેવન્યુ સર્વે નં.252 વાળી જૂની શરતની હે.2-44-84 ચો.મી. જમીન પૈકી પૂર્વ દિશા તરફની એક એકર એટલે કે હે.0-40-47 જમીન ત્રિભુવન સ્પીનટેક્ષ પ્રા.લી. કંપનીએ વર્ષ 2011માં બાવજીભાઈ લીંબાભાઈ પટેલ પાસેથી કાયદેસર અવેજ ચૂકવી ખરીદી હતી અને ઔદ્યોગિક હેતુસર ડેવલપમેન્ટ કરી ઇન્ડસ્ટ્રી ઉભી કરી હતી. ત્યારબાદ વલ્લભભાઈ લીંબાભાઈ રંગાણીએ સ્પેશિયલ રિલીફ એક્ટ હેઠળ સિનિયર સિવિલ જજ સમક્ષ દાવો માંડ્યો કે આ મિલકતમાં પોતાનો હિન્દુ વારસાઈ હક્ક છે. તેમણે સગા ભાઈ બાવજીભાઈ, ભત્રીજા અંકિત અને ખરીદનાર કંપની સામે વેચાણ દસ્તાવેજ રદ કરવા, પાર્ટીશન જાહેર કરવા અને કાયમી મનાઈ હુકમ મેળવવા દાવો કરી વચગાળાનો મનાઈ હુકમ માંગ્યો હતો. આ કેસમાં પ્રતિવાદી બાવજીભાઈ અને અંકિત વતી એડવોકેટ પી.બી. મારૂએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકી ધારદાર દલીલ કરી કે વાદીનો કેસ પ્રથમ દર્શનીય રીતે પણ માનવા યોગ્ય નથી અને ઘણા લાંબા સમય બાદ માત્ર ગેરકાયદે લાભ મેળવવા મિલકતને વિવાદિત બનાવાઈ છે. જ્યારે ખરીદનાર કંપની વતી ડિરેક્ટર ગોવિંદભાઈ ગોધાણી તરફથી એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા, વિજય તોગડિયા અને કલ્પેશ નશીત રોકાયા હતા. તેમણે દલીલ કરી કે કંપની બોનાફાઈડ પરચેઝર છે, 15 વર્ષ જૂની લેવડ-દેવડ છે અને લિમિટેશન એક્ટ મુજબ દાવો સમયબાધિત છે. બંને પક્ષની દલીલ સાંભળી એડિશનલ સિવિલ જજ દીપેશ મિત્તલે કામચલાઉ મનાઈ હુકમની અરજી રિજેક્ટ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application