અમદાવાદમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. છેલ્લા 26 કલાક (ગઈકાલ સવારના છથી આજે સવારના આઠ વાગ્યા) દરમિયાન અતિભારે 19 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સતત વરસી રહેલા આકાશી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સામાન્ય જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.
શહેરના અલગ-અલગ ઝોનની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 19 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાડા ૧૪ ઈંચથી વધુ અને પશ્ચિમ તથા મધ્ય ઝોનમાં સાડા ૧૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ઝોનમાં નવ ઈંચથી વધુ જ્યારે પૂર્વ ઝોનમાં પણ સાડા છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વરસાદની સૌથી માઠી અસર જોવા મળી છે, જ્યાં ભારે વરસાદના લીધે અનેક સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે મહાનગરપાલિકા અને રાહત ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખીને કામગીરી કરી રહી છે.
આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શહેરમાં ફરી સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં ચાંદખેડામાં બે ઈંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે ત્રાગડ રોડ, આઈઓસી રોડ અને ડી-કેબિન રોડ પર વ્યાપક પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે ભરાયેલા પાણીના લીધે બંધ કરાયેલા ૧૭ અંડરબ્રિજમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલ કરાતાં નવ બ્રિજ શરૂ કરાયા છે, પરંતુ મકરબા, પરિમલ, અખબાર નગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ જીએસટી અને ચાંદખેડા જેવા આઠ અંડરબ્રિજ હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે.
વરસાદી પાણીના ભરાવાના કારણે અનેક સ્થળોએ કટોકટીભરી સ્થિતિ સર્જાઈ હતી. ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં ફસાયેલી એક બસમાંથી મણિનગર ફાયરની ટીમે પંચાવન લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાઈ જવાથી ૧૦૦૦થી વધુ રહીશો ઘરોમાં કેદ થઈ ગયા છે, જ્યારે શેલા વિસ્તારની આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં પાણી ભરાતાં સ્થાનિકોના ટુ-વ્હીલર અને કાર પાણીમાં ડૂબી જતાં ભારે નુકસાન થયું છે.
બીજી તરફ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં થઈ રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળના ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે પુલ નંબર ૨૦૩ પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પરનો રેલ વાહનવ્યવહાર તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની અનેક પ્રમુખ ટ્રેનોને માઠી અસર પહોંચી છે.
પોશ વિસ્તાર શેલામાં વાહનો ડૂબ્યા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા મધુમાલતી આવાસ યોજના આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે થઈને આવાસ યોજનામાં રહેતા અંદાજે 1000થી વધારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ભારે વરસાદના કારણે શેલા વિસ્તાર જળમગ્ન થઈ ગયું છે. શેલા વિસ્તારમાં આવેલા આકાશ રેસીડેન્સીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટુ-વ્હીલર અને ગાડીઓ સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
હેલ્મેટ સર્કલ તરફ ન જવા મનપાની લોકોને અપીલ
નહેરુનગર નજીક આવેલા સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો છે. પાંજરાપોળ ચાર રસ્તાથી નહેરુનગર તરફ અવરજવર કરતા મુખ્ય રોડ પર બીઆરટીએસ ટ્રેકની બાજુમાં જ મોટો ભુવો પડ્યો છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા સમગ્ર જગ્યા પર સલામતીને લઈને બેરીકેટ લગાવ્યા છે. હેલ્મેટ સર્કલ ચાર રસ્તા પાસે ખૂબ જ વરસાદી પાણી ભરાયું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નાગરિકોને હેલ્મેટ સર્કલ તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી છે. નાગરિકોએ અન્ય રસ્તાનો ઉપયોગ કરવો એવી અપીલ કરવામાં આવી છે.