BREAKING NEWS

ભારત પ્રત્યે નફરતની આગઃ પાકિસ્તાનમાં આશા ભોંસલેના ગીતો વગાડતા ચેનલને નોટિસ ફટકારી

  • April 14, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના નિધન બાદ સમગ્ર વિશ્વમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે, પાકિસ્તાનમાં તેમના ગીતો વગાડવા બદલ એક ન્યૂઝ ચેનલ મુશ્કેલીમાં મુકાઈ છે. પાકિસ્તાનના મીડિયા રેગ્યુલેટર ઓથોરિટી (પીઇએમઆરએ)એ જાણીતી ચેનલ 'જીઓ ન્યૂઝ'ને આ બાબતે કારણદર્શક નોટિસ જારી કરી છે. રવિવારે મુંબઈમાં આશા ભોંસલેનું અવસાન થયું હતું. જીઓ ન્યૂઝે આ સમાચાર પ્રસારિત કરતી વખતે આશાજીના યાદગાર ગીતો અને તેમની ફિલ્મોના દ્રશ્યો બતાવ્યા હતા. પાકિસ્તાન પીઇએમઆરએના જણાવ્યા મુજબ, આ પગલું પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. વર્ષ 2018થી પાકિસ્તાનમાં ભારતીય કન્ટેન્ટ અને ગીતોના પ્રસારણ પર સખત પ્રતિબંધ અમલમાં છે.


પીઇએમઆરએએ જણાવ્યું છે કે, ભારતીય કલાકારના ગીતો અને દ્રશ્યો પ્રસારિત કરવા એ કોર્ટના નિર્ણયનું ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘન છે. આ માટે તેમણે ચેનલ પાસે જવાબ માંગ્યો છે. પાકિસ્તાન સરકારનું માનવું છે કે કોઈ પણ સંજોગોમાં ભારતીય ફિલ્મી સામગ્રી ટીવી પર બતાવી શકાય નહીં.


બીજી તરફ, જીઓ ન્યૂઝના મેનેજિંગ ડિરેક્ટર અઝહર અબ્બાસે આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મહાન કલાકારોના કામની પ્રશંસા કરવાની હંમેશા પરંપરા રહી છે. આશા ભોંસલે જેવા કલાકાર માટે તો આપણે તેમના અમર ગીતો વધુ શેર કરવા જોઈએ, પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓએ તેના પર પ્રતિબંધ મૂકવાનું પસંદ કર્યું છે.


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મુંબઈના શિવાજી પાર્ક ખાતે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. જ્યારે તેમના પાર્થિવ દેહને વિદાય આપવામાં આવી રહી હતી, ત્યારે બેકગ્રાઉન્ડમાં તેમનું પ્રખ્યાત ગીત 'અભી ના જાઓ છોડકર...' વાગી રહ્યું હતું, જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application