શહેરના મવડી વિસ્તારમાં મારૂતિનંદનનગરમાં રહેતા અગાઉ મારામારી, ખૂની હુમલા સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત પ્રિતેશ ઉર્ફે દીકુડા સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. ભક્તિનગર પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને ભુજ જેલ હવાલે કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, અગાઉ મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને ગુનાઓ આચરવાની ટેવવાળા પ્રિતેશ ઉર્ફે દિકુડો અલ્પેશભાઈ ગોટેચા (ઉ.વ. 25 રહે. મારૂતીનંદનનગર મવડી, રાજકોટ) વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલવામાં આવી હતી. કમિશનરે દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જેથી ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે વોરંટની બજવણી કરી આરોપી પ્રીતેશ ઉર્ફે દીકુડાને ભુજ જેલ હવાલે કર્યો હતો.
પ્રિતેશ ઉર્ફે દીકુડા સામે રાજકોટના તાલુકા પોલીસ, માલવીયાનગર, પ્ર.નગર, ગાંધીગ્રામ, ભક્તિનગર, એ ડિવિઝન અને જામનગરના કાલાવડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ, મારામારી, વાહન ચોરી સહિતના 17 ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ વર્ષ 2023 અને 2025 માં તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.
પાસાના વોરંટ બજવણીની આ કામગીરીમાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. પરમાર, પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.એસ. ગોહિલ, એએસઆઇ નિલેશભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, રમેશભાઈ માલકીયા, કોન્સ્ટેબલ અરજણભાઈ પરમાર, યુવરાજસિંહ જાદવ અને પીસીબીના એએસઆઇ રાજુભાઈ દહેકવાલ, હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ સિસોદિયા સાથે રહ્યા હતા.