કેનેડાના ઓડિટર જનરલ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના અહેવાલ મુજબ, કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો, જે 2023માં 51.6 ટકા હતો, તે સપ્ટેમ્બર 2025 સુધીમાં ઘટીને માત્ર 8.1 ટકા થઈ ગયો છે. આ ઘટાડો કેનેડિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા નિયમોમાં કરવામાં આવેલા કડક ફેરફારો અને અરજીઓના ઘટતા મંજૂરી દરનું સીધું પરિણામ છે. 2023માં વિઝા ગ્રાન્ટ દર 58 ટકા હતો, જે હવે ઘટીને 38 ટકા થઈ ગયો છે. નોંધનીય છે કે કેનેડામાં સ્ટડી વિઝા પરમિટની મુદત પૂરી થયા પછી, વિદ્યાર્થીઓને તેમના દેશમાં પાછા મોકલવા (રિવર્સ માઇગ્રેશન) અંગે હવે કડકતા જાળવવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૨૩માં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનો ભારે પ્રભાવ હતો. તે સમયે કુલ ૯,૪૩,૦૦૦ સ્ટડી પરમિટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં ભારતીયોનો હિસ્સો ૫૧.૬ ટકા જેટલો માતબર હતો. જોકે, વર્ષ ૨૦૨૪માં આ પ્રવાહમાં મોટો વળાંક આવ્યો અને કુલ મંજૂર થયેલી પરવાનગીઓ ઘટીને ૧,૪૯,૫૫૯ થઈ ગઈ, જેમાં ભારતનો હિસ્સો ઘટીને ૩૩.૬ ટકા પર આવી ગયો. વર્ષ ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધીના આંકડા વધુ ગંભીર ચિત્ર રજૂ કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૫૦,૩૭૦ પરમિટ મંજૂર થઈ છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો હિસ્સો ઘટીને માત્ર ૮.૧ ટકા રહી ગયો છે. માત્ર બે વર્ષમાં ૫૧.૬ ટકાથી ૮.૧ ટકા સુધીનો આ ઘટાડો શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અહેવાલ મુજબ, આ ઘટાડાનું મુખ્ય કારણ વિઝા ગ્રાન્ટ રેટમાં થયેલો ધરખમ ઘટાડો છે. ૨૦૨૩માં વિઝા મળવાનો સફળતા દર ૫૮ ટકા હતો, જે ૨૦૨૫માં ઘટીને માત્ર ૩૮ ટકા થઈ ગયો છે. કેનેડિયન સરકાર હવે અરજીઓની ચકાસણીમાં વધુ કડકતા દાખવી રહી છે, જેના કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ નામંજૂર થઈ રહી છે. કેનેડા સરકાર હવે માત્ર વિઝા આપવામાં જ નહીં, પણ અભ્યાસ પૂરો થયા પછી વિદ્યાર્થીઓને તેમના વતન પરત મોકલવા (રિવર્સ માઇગ્રેશન) અંગે પણ કડક વલણ અપનાવી રહી છે. સ્ટડી પરમિટની મુદત પૂરી થયા પછી દેશમાં રોકાવા પરના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેનેડામાં રહેઠાણની કટોકટી અને વધતા ખર્ચને કારણે પણ ભારતીય વિદ્યાર્થીઓ હવે અન્ય દેશો તરફ વળી રહ્યા છે.
આ અહેવાલ સાબિત કરે છે કે કેનેડા હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે પહેલા જેવું 'સરળ' ડેસ્ટિનેશન રહ્યું નથી. બદલાતી રાજકીય અને આર્થિક સ્થિતિ વચ્ચે કેનેડા જવાનું સપનું જોતા વિદ્યાર્થીઓએ હવે વધુ સાવચેતીપૂર્વક આયોજન કરવાની જરૂર છે.