BREAKING NEWS

રાજકોટ એઇમ્સમાં નર્સિંગ ઓફિસર ભાન ભૂલ્યો, ફિમેલ ઇન્ટર્નીના સોલ્ડર અને કમર પર હાથ રાખી અડપલા કર્યા હતા

  • October 02, 2026 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એઇમ્સમાં ફિમેલ ઇન્ટર્નની છેડતી પ્રકરણમાં એઇમ્સની તપાસ કમિટી નર્સિંગ ઓફિસર સામે પગલાં ભરે એ પૂર્વે જેમની છેડતી થઇ હતી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, લખણ ઝળકાવનાર લલિતે ઇન્ટર્નીને સોલ્ડર ઉપર હાથ રાખી ચાલ તને આજે રાત્રે જમવા લઇ જઉં કહી દ્રિઅર્થી ભાષામાં વાત કરી હતી. ઇન્ટર્નીએ કહ્યું હતું કે, તમારે આવી વાતો ન કરાઈ તમે પરણિત છોવ, પરંતુ લલિત રોકાયો ન હતો અને ઘર કી દાલ રોજ રોજ કોન ખાતા હે તેમ વધુ દ્રિ અર્થી ભાષામાં વાત કરી તેણીના કમરના ભાગે હાથ રાખી અડપલાંનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદના આધારે નર્સિંગ ઓફિસર લલિત શર્મા સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ વધુ એક વાર મહિલાની પજવણી મુદ્દે વિવાદોમાં આવેલી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે ફિમેલ ઇન્ટર્ન પોતાની ફરજ દરમિયાન ઓપીડી વિભાગમાં હતી ત્યારે નર્સિંગ ઓફિસર લલિત શર્માએ હાથ પકડી લઇ છેડતી કરી હોવાના આક્ષેપના પગલે મામલો બિચક્યો હતો, ફિમેલ ઇન્ટર્ને દેકારો કરતા વિભાગમાં કામ કરતા સાથી તબીબો, ફરજ પરના કર્મીઓ સહિતના એકઠા થઇ ગયા હતા. ઇન્ટર્નીએ સમગ્ર બનાવથી વાકેફ કરતા ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટર્સ એકઠા થઇ એઈમ્સના ડે.ડાયરેક્ટરને મળી ગંભીર ઘટના મુદ્દે રજૂઆત કરી હતી. પરંતુ એઈમ્સના જવાબદારોએ બંને પક્ષે સાંભળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની વાતો કરતા ગઈકાલે ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટર્સે એકાએક હડતાળ પાડી દીધી હતી. અને ઇમરજન્સી વિભાગની સામે ધરણા પર બેસી જઈ બેટી બચાવો બેટી પઢાઓ સહિતના સ્લોગન સાથેના પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. અચાનક જ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી જતા એઈમ્સના જવાબદારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.

ઘટનાને પગલે ભોગ બનનાર યુવતી અને તેની સાથેના તબીબો ડે.ડાયરેક્ટર કર્નલ અંકુર પ્રતાપસિંહને મળ્યા હતા અને ઘટનામાં તાકીદે પગલાં લઇ નર્સિંગ ઓફિસર લલિત શર્માને ટર્મિનેટ કરવા માંગણી કરી હતી. જો કે ડે. ડાયરેક્ટર દ્વારા તાકીદે તપાસ કમિટી રચી સ્થળ પરના સીસીટીવી ફૂટેજ તેમજ ત્યાં હાજર લોકોના નિવેદન લઇ જો કસૂરવાર હશે તો તેની સામે ચોક્કસ પણે પગલાં લેવામાં આવશે તેમ ખાત્રી પણ આપી હતી. પરંતુ એઇમ્સની તપાસ કમિટી સામે ભરોષો નહીં હોય કે કેમ ? ઇન્ટર્નીએ કાયદાકીય રાહ પસંદ કરી નર્સીંગ ઓફિસર લલિત શર્મા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને લલિતે એક વાર નહિ બે વખત છેડતી કરી હતી, જેમાં તા.30ના ઓપીડી વિભાગમાં ચેર ઉપર બેઠી હતી ત્યારે લલિતે હું તમને રાત્રે જમવા લઈ જઈશ કહ્યું હતું જેના જવાબમાં ઇન્ટર્નએ પોતાને મેસમાં જમવાનું હોય છે તેમ જવાબ આપતા લલિતે તેના ખંભા ઉપર હાથ મુક્યો હતો. જે બાદ પોતે બહાર નીકળી બાકડા પર બેઠી હતી ત્યારે ફરીથી લલિતે લખણ ઝળકાવ્યા હતા અને દ્રિ ભાષા વાત કરતા ઇન્ટર્ની કહ્યું હતું કે, તમે પરણિત છોવ તમારે આવું ન બોલાઈ સામે લલિતે એવું કહ્યું હતું કે, ઘર કી દાલ રોજ કોન ખાતા હે, એમ બોલી કમર પર હાથ રાખતા ઇન્ટર્ની ત્યાંથી જતી રહી હતી અને સમગ્ર બનાવથી સાથે તબીબોને વાકેફ કર્યા હતા. ફરિયાદના આધારે પોલીસે નર્સિંગ ઓફિસર લલિત શર્મા છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ મહિલા પ્રોફેસરે પજવણીનો આક્ષેપ કર્યો હતો

અગાઉ એઇમ્સના પેથોલોજી ડિપાર્ટમેન્ટના ફિમેલ હેડએ તત્કાલીન ડાયરેક્ટર, ડીન, એચઓડી, એડમીન ઓફિસર સહિતના ચાર વ્યક્તિઓ સામે પોતાની સાથે લિંગ આધારિત ભેદભાવ, ગુંડાગીરી, અને ઉત્પીડન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની અરજી કલેકટરને કરી હતી અને એ 30 ઓગસ્ટ-2025ના પોલીસ કમિશનરને ટ્રાન્સફર કરવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે મામલો સંસ્થાકીય હોવાથી તેની તપાસ પણ સંસ્થાની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા કરવા જણાવાયું હતું. આ ઉપરાંત થોડા સમય પહેલા એઇમ્સની નર્સીંગ કર્મચારીએ પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તેમાં પણ કેટલીક શંકાઓ નર્સિંગ વિભાગ સામે ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application