સફરજન, પપૈયું અને જામફળ જેવા ફાઈબરથી ભરપૂર ફળો વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે
આજના સમયમાં વિશ્વમાં 'મેદસ્વિતા'ને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની જેમ માનીને તેનાથી બચવા માટે વિવિધ ઉપાયો કરાઈ રહ્યાં છે. આપણો દેશ પણ આ સમસ્યા સામે લડત આપી રહ્યો છે. મેદસ્વિતાને માત્ર ‘હૃષ્ટપૂષ્ટ' ગણીને અવગણવું જોખમી છે. મેદસ્વિતા મુક્તી એ માત્ર શારીરિક દેખાવ માટે નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવા અનેક રોગોનું પ્રવેશદ્વાર હોવાથી માનવના સ્વાસ્થ્યપ્રદ જીવન માટે અનિવાર્ય બની ગઈ છે. મેદસ્વિતા નિયંત્રણ માટે આપણી જીવનશૈલીમાં સ્વાસ્થ્યપ્રદ ફેરફાર લાવવાની અનિવાર્યતા સમજીને ભારત સરકારના 'મેદસ્વિતા મુક્ત ભારત' અભિયાન હેઠળ વિવિધ રીતે મેદસ્વિતામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સામાન્ય રીતે લોકો માને છે કે વજન ઘટાડવું એટલે કલાકો સુધી માત્ર કસરતો કરીને પરસેવો પાડવો અને ભૂખ્યા રહેવું. પરંતુ વાસ્તવમાં, વજન ઘટાડવું એ ખાસ કરીને આપણે શું ખાઈએ છીએ તેની જાગૃતિ અને પ્રયત્નપુર્વક કેળવેલી આહાર વિહાર અંગેની સ્વસ્થ આદતો છે. આપણી થાળીમાંથી તળેલ ભોજનો, ખાંડની મીઠાઈની જગ્યાએ 'ફ્રૂટ અને વેજીટેબલ'ને સ્થાન આપવું એ આ દિશામાં પહેલું કદમ છે. આ સાથે સાથે ચા કે કોફીમાં પણ ક્રમશ: ઓછી ખાંડ વાપરવાની ટેવ પાડવી જોઈએ. વધુ પ્રોસેસ્ડ ખાંડવાળા સોડા અને શરબત જેવા પીણાં બને ત્યાં સુધી ન પીને, મીઠાઈ ઓછી માત્રામાં ખાઈને પણ આહારમાં વધુપડતી ખાંડ નિયંત્રિત કરી શકાય છે.
ઘણીવાર વજન ઘટાડવાની પ્રક્રિયામાં લોકો ગળ્યું ખાવાનું સંપૂર્ણપણે છોડી દે છે, જેના કારણે ક્યારેક નબળાઈ અનુભવાય છે. પ્રકૃતિએ આપણને 'ફળો' ના રૂપમાં એક એવો મીઠો રસ્તો આપ્યો છે, જે સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ. ફળો એ માત્ર ખોરાક નથી, પણ વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરનો સમૃદ્ધ સ્રોત છે.
વજન ઘટાડવામાં ફળો કેવી રીતે મદદરૂપ થાય છે?
- મીઠાઈ કે કોલ્ડ ડ્રિંક્સમાં રહેલી કૃત્રિમ ખાંડ શરીરને નુકસાન કરે છે, જ્યારે ફળોમાં રહેલી કુદરતી શર્કરા શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષે છે.
- સફરજન, પપૈયું, જામફળ અને નાશપતી જેવા ફળો ફાઈબરથી ભરપૂર હોય છે. તે પાચનતંત્ર સુધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી આપણે બિનજરૂરી હાઈ-કેલરી નાસ્તો જેવા કે ચીપ્સ કે અન્ય તળેલ નાસ્તા કરવાથી બચીએ છીએ.
- તરબૂચ, સંતરા, મોસંબી અને દ્રાક્ષ જેવા ફળોમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને પાચનતંત્રને સક્રિય રાખે છે, જેને લીધે ચરબી ઓગળવામાં મદદ મળે છે.
- ફળોમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢી આંતરિક શુદ્ધિ કરે છે.
આપણા ઋષિ-મુનિઓએ પણ આહારમાં 'ફળાહાર' ને સર્વોત્તમ ગણાવ્યો છે. જમવાની થાળીમાં શાક રોટલી લેતા પહેલા આહારની શરુઆત ફળો અને શાકભાજીથી કરવી જોઈએ. વધુમાં દરરોજ કે વારંવાર મીઠાઈ કે ડેઝર્ટની ટેવથી છુટકારો મેળવવો જોઈએ કારણ કે તેની રોજીંદા આહારમાં જરૂરિયાત હોતી નથી. જરૂરી શુગર ફળોમાંથી મળી શકે છે. ડેઝર્ટ તરીકે ફળો અથવા થોડી માત્રામાં ગોળ લઈ શકાય છે.
જો આપણે આજે જાગૃત થઈશું અને પેકેજ્ડ ફૂડ, વધુ પડતી તેલયુક્ત વાનગીઓ અને પ્રોસેસ્ડ શુગરને 'અલવિદા' કહીશું, તો જ આવતીકાલનું ભારત વધુ મજબૂત અને ઉર્જાવાન બનશે. મેદસ્વિતા સામેની આ લડાઈ માત્ર વ્યક્તિગત નથી, પણ રાષ્ટ્રીય હિતની છે. સરકારના આ અભિયાનમાં સહભાગી થઈએ. પ્રકૃતિના આ મીઠા વરદાન- સ્વાદિષ્ટ ફળોને અપનાવીએ. યાદ રાખીએ કે ‘તંદુરસ્ત અને રોગમુક્ત ભારતની શરૂઆત મારી થાળીથી થાય છે.’