BREAKING NEWS

વાઇબ્રન્ટ ઈફેક્ટ : એરપોર્ટનું જુનુ ટર્મિનલ અલાયદી બેઠક વ્યવસ્થાથી સુસજ્જ કરાયું

  • January 06, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આગામી તા. 11 અને 12 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટીના યજમાન પદે યોજનારી વાઇબ્રન્ટ સમિટને લઈને સમગ્ર શહેરમાં તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી સહિત દેશ-વિદેશથી આવનાર મહેમાનોને આવકારવા માટે સુવિધાથી લઈને સુરક્ષા ઉપરાંત સફાઈ સહિતની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત નવા ટર્મિનલ ઉપરાંત જર્મન ટેકનોલોજીથી નિર્મિત જુના ટર્મિનલમાં પણ મહેમાનોના સ્વાગત માટે અલાયદા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે સત્તાવાર નિવેદન આપતા એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું છે કે જુના ટર્મિનલ ખાતે મહેમાનોનું સ્વાગત કરવા માટે જોરશોરથી સફાઈ કામગીરી ચાલી રહી છે. અહીં પણ અત્યાધુનિક મશીન વડે સફાઈ કરીને અલાયદા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

અહીં વાઇબ્રન્ટ દરમિયાન આવતા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જુના ટર્મિનલ પર બોર્ડિંગ કે ડી-બોર્ડિંગ નહીં થાય માત્ર મહેમાનોને બેસવા માટેની વ્યવસ્થા માટે ફાળવણી કરવામાં આવશે. આમ, જુના ટર્મિનલનો ઉપયોગ મહેમાનોની સુવિધા વધારવા માટે કરવામાં આવશે.

રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર નવા ટર્મિનલમાં સહિતની તૈયારીના ધમધમાટના પગલે નવો વાઇબ્રન્ટ લુક જોવા મળી રહ્યો છે. તો બંધ પડેલા અને જર્મન ટેકનોલોજીથી નિર્મિત થયેલા જુના ટર્મિનલ બિલ્ડીંગને પણ ફરીથી મુસાફરોની સુવિધા માટે ખુલ્લુ મુકવામાં આવી રહ્યું છે. અને મહત્વનું છે કે વાઇબ્રન્ટ સમિટને લઈને મુસાફરોની સુવિધા વધારવા માટે તા. 8 થી રેપિડો કેબ અને રાહત દરેક ખાણીપીણીના સ્ટોલ તથા રાજકોટ શહેરની હસ્ત કલાને ઉજાગર કરતા પટોળાના સ્ટોલ પણ ખોલવા જઈ રહ્યા છે. આમ, વાઇબ્રન્ટ સમિટના સમગ્ર આયોજનને લઈને વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application