#aajkaal team
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. આજે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની શરુઆત સાથે ઊંઝા- બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. દોઢ ઇંચ જેટલા વરસાદના લીધે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તેમજ પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિત મહેસાણાના ઐઠોર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતનો પાક જવાની ચિંતા ફેલાઈ છે.
આજે આ જિલ્લામાં વરસાદની આગાહી
25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આવતીકાલે (26 ઑક્ટોબર) વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 27 ઑક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.