BREAKING NEWS

રાજકોટમાં મધરાતે કોમ્પલેક્સના પાંચમો માળ ભડકે બળ્યો, એક કારીગરનું મોત, એક દાઝ્યો, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ વિકરાળ બની

  • October 14, 2025 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોની વેપારીના ચાંદીકામ નું બફિંગ કામ ચાલતું હોય પોલીસિંગ મશીનમાં સ્પાર્ક થતા શોક સર્કિટથી એકાએક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું , રાત્રે સવા વાગ્યે આગ લાગતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો


પાંચ ફાયર ફાઈટર સાથેની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી

રાજકોટ શહેરના દિવાનપરા દસમાં આવેલ શ્રી હરિ કોમ્પલેક્ષમાં આગ લાગ્યાની ફાયર બ્રિગેડને રાત્રે ૧:૧૮ વાગ્યે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની અલગ અલગ પાંચ ફાયર ફાઈટર સાથેની ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના કારણે કોમ્પ્લેક્સમાં ચાંદીનું પોલિસીંગ કામ કરતા 10 કારીગરો પૈકી બે કારીગરો દાઝી જતા સારવાર અર્થે બંનેને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.


કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો

ફાયર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ નાના મવા ફાયર કંટ્રોલ રૂમને રાત્રે ૧:૧૫ વાગ્યા આસપાસ પેઢીના ચંદ્રેશભાઇ પાટડીયા દ્વારા જાણ કરવામાં આવી હતી કે દિવાનપરા શેરી નંબર 10 માં આવેલ શ્રી હરિ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી છે જેના પગલે બેડીપરા તેમજ કાલાવડરોડ ફાયર સ્ટેશનની ટીમ પાંચ ફાયર ફાઈટર તેમજ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.


છ જેટલા બંગાળી કારીગર હાજર હતા

ફાયર બ્રિગેડની ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરતા આગ શોક સર્કિટથી લાગ્યાનું ધ્યાને આવતા તાત્કાલિક પીજીવીસીએલની મદદથી વીજ પુરવઠો બંધ કરાવી પાણીનો મારો ચલાવી શ્રી હરિ કોમ્પ્લેક્સના પાંચમા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો, તેમજ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આગ લાગતા કોમ્પ્લેક્સ માં પાંચમા માળે ચાંદીનું પોલિસીંગનું પાંચ થી છ જેટલા બંગાળી કારીગર હાજર હતા.


આગ લાગતા ચાર જેટલા કારીગરનો સદભાગ્યે બચાવ 

આગ લાગતા ચાર જેટલા કારીગરનો સદભાગ્યે બચાવ થયો હતો પરંતુ બે કારીગર આગની લપેટમાં આવી જતા ફાયર બ્રિગેડની ટીમે બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગંભીર રીતે દાજી ગયેલ બંગાળી કારીગર પલાસ પ્રદ્યુમન નીયોગી ઉંમર વર્ષ 48 વાળાનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું.


એફએસએલની ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવી

જ્યારે અન્ય એક ઘવાયેલ બંગાળી કારીગર મૈસુદ સાઈનલ મીત ઉંમર 29 વાળો સામાન્ય દાજી ગયો હોય તેને સારવાર આપવામાં આવી હતી મધરાત્રીએ લાગેલી આગની જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તેમજ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમો ફાયર ફાઈટર તેમજ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ એફએસએલની ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવી હતી.


પાંચમા માળે ગેરકાયદેસર ખડકેલા ડોમથી વધુ આગ ફેલાયાની આશંકા

શ્રી હરિ કોમ્પ્લેક્સ ના પાંચમા મળે ચાંદીના પોલીસિંગ નું કામ કરતા સુવર્ણ જ્યોતિ ક્રિએશન નામની પેઢીના માલિક દિવ્યેશભાઈ પાટડીયા અને ચંદ્રેશભાઇ પાટડીયા હોવાનું તેમજ પાંચમા માળે જે ડોમ ઉભો કર્યો હતો તે ગેરકાયદેસર હોવાનું ચર્ચા રહ્યું છે ડોમના કારણે આગ જોત જોતામાં ફેલાઈ ગઈ હતી અને પાંચથી છ જેટલા બંગાળી કારીગરો કામ કરતા હતા તેમાં બે કારીગર આગની ઝપટે ચડી ગયા હતા.


મૃતક પલાસ બે દિવસ પૂર્વે જ વતનમાંથી કામે આવ્યો હતો

શ્રી હરિ કોમ્પ્લેક્સમાં પાંચમા માળે ડોમમાં લાગેલી આગમાં જેનો ભોગ લેવાયો હતો તે બંગાળી કારીગર પલાસ પ્રદ્યુમન નીયોગી બે દિવસ પૂર્વે જ વતનથી રાજકોટ ફરી કામે આવ્યો હતો, તેનો પરિવાર બંગાળમાં જ રહે છે અને પલાસ અગાઉ પાંચ વર્ષ પૂર્વે સુવર્ણ જ્યોતિ ક્રિએશનમાં કામ કરી ગયો હોવાનું પેઢીના માલિક દિવ્યેશભાઈ પાટડીયા એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


મશીનમાં શોક સર્કિટથી આગ લાગી અને સિલિન્ડર થયો બ્લાસ્ટ

શ્રી હરિ કોમ્પ્લેક્સ માં લાગેલ આગ અંગે પેઢી સુવર્ણ જ્યોતિ ક્રિએશનના માલિક તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દિવ્યેશભાઈ પાટડીયા એ જણાવ્યું હતું કે દિવાળીની કાલથી રજા રાખવાની હોય કારીગરો સાફ-સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન પોલિસીંગ મશીન સ્પાર્ક થયો અને આગ લાગી તેમજ ચાર જેટલા કેસ સિલિન્ડર પૈકી એક સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application