અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટનામાં એક નેશનલ ગાર્ડનું મોત થયું છે.જયારે એકની હાલત હજુ પણ ગંભીર ગણાવાઈ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શહીદ સૈનિક સારાહ બેકસ્ટ્રોમને શ્રદ્ધાંજલિ આપી. બુધવારે આ ઘટના બની હતી અને વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર થયેલા હુમલામાં બે નેશનલ ગાર્ડ સભ્યોને નજીકથી ગોળી વાગી હતી.રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલો દુષ્ટતા, નફરત અને આતંકના હેતુથી કરવામાં આવેલ ગુનો હતો. વીડિયો કોલ દ્વારા સૈનિકોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે તેમને થોડા સમય પહેલા સારાહ બેકસ્ટ્રોમના મૃત્યુ વિશે જાણવા મળ્યું હતું.
હુમલા બાદ, ટ્રમ્પ વહીવટીતંત્રે વોશિંગ્ટનમાં સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 500 વધારાના સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં, વોશિંગ્ટનમાં આશરે 2,400 નેશનલ ગાર્ડ તૈનાત છે, જેમાં ડીસી નેશનલ ગાર્ડ અને અન્ય રાજ્યોમાંથી તૈનાત સૈનિકોનો સમાવેશ થાય છે. ગોળીબાર વ્હાઇટ હાઉસથી 500 મીટરથી ઓછા અંતરે થયો હતો. ઘટના બાદ, વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, અને તપાસ ચાલી રહી છે.
હુમલાખોર અફઘાન નાગરિક, તપાસનાં આદેશ
યુએસ મીડિયા અહેવાલો અનુસાર, શંકાસ્પદ વ્યક્તિની ઓળખ રહેમાનુલ્લાહ લકનવાલ તરીકે થઈ છે, જે 2021 માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તે વ્યક્તિ શરણાર્થી કાર્યક્રમ હેઠળ દેશમાં પ્રવેશ્યો હતો અને અગાઉનો બાઈડેન વહીવટ તંત્ર આ ઘટના માટે જવાબદાર છે. ટ્રમ્પે જાહેરાત કરી કે અફઘાનિસ્તાનથી આવનારા તમામ લોકોની ફરીથી તપાસ કરવામાં આવશે અને જે લોકો અમેરિકાને પ્રેમ નથી કરતા તેમના દેશનિકાલ માટે વિચારણા કરવામાં આવશે.
અફઘાનિસ્તાનથી ઇમિગ્રેશન સ્થગિત
આ ઘટના બાદ, યુએસએ અફઘાનિસ્તાનથી ઇમિગ્રેશન સ્થગિત કરી દીધું છે. નીતિ પરિવર્તનની જાહેરાત કરતા,યુએસસીઆઈએસએ જણાવ્યું હતું કે, "તાત્કાલિક અસરકારકતાથી, અફઘાન નાગરિકોને લગતી બધી ઇમિગ્રેશન વિનંતીઓ સુરક્ષા અને સ્ક્રીનીંગ પ્રોટોકોલની વધુ સમીક્ષા સુધી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આપણા વતન અને અમેરિકન લોકોની સુરક્ષા એ અમારું એકમાત્ર ધ્યાન અને મિશન છે.