#aajkaal team
રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત, ઘંટેશ્વરમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યો, શહેરભરમાં હાહાકાર
રાજકોટમાં કાળી ચૌદસની રાતથી શરુ થયેલો હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે. સાત દિવસમાં 6 હત્યાથી શહેરમા હાહાકાર મચી ગયો છે. આજે ઘંટેશ્વરમાં યુવાનને એક શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે.
મળતી વિગત મુજબ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં 25 વારિયામાં વિજય ચુનીલાલભાઈ સોલંકી (રહે. મનહરપુર )ને ધર્મેશ નામના શખસે ગળાના ભાગે છરીના ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં જ ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે જ વિજયનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે વિજયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખાસેડ્યો છે. જોકે આરોપી ધર્મેશ પોલીસ પકડમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ ચાલુ કરી છે. પોલીસ તપાસ બાદ જ હત્યા શું કામ કરવામાં આવી તેનું કારણ જાણવા મળશે.