કરચલીયાપરામાં યુવાનની હત્યા કરી નાસી છૂટેલા ચાર પૈકી એક ઝડપાયો
કરચલીયાપરામાં યુવાનની હત્યા કરી નાસી છૂટેલા ચાર પૈકી એક ઝડપાયો
November 27, 2025 02:35 PM
શહેરના કરચલિયા પરા વિસ્તારમાં રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા મોહિતભાઈ નરેશભાઈ ટેભાણી (ઉ.વ.૨૨) નામનો યુવાન ઘરની નજીક આવેલ મેલડીમાંના મંદિર પાસે બેઠો હતો. ત્યારે મોહિતભાઈના મિત્રો કાનજી ઉર્ફે કાનો કાળુભાઈ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયાએ તેની પાસે આવી ચારેયે મોહિતભાઈ સાથે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી કરી હતી. દરમ્યાન તમામ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્રરૂપ ધારણ કરતા ઉપરોક્ત ચારેય શખ્સો છરી વડે મોહિતભાઈ પર જીવલેણ હુમલો કરી આડેધડ ઢીંકાપાટુનો માર મારી મરણતોલ ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. જ્યારે મોહિતભાઈને ગંભીર હાલતે તેમના પરિવારજનોએ સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઘટના અંગે ગંગાજળિયા પોલીસે ચારેય સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ દરમ્યાન કાનજી ઉર્ફે કાનો કાળુભાઇ બારૈયાને ઝડપી લઈ ફરાર બનેલા ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી હતી. હુમલામાં મૃત્યુ પામેલા મોહનભાઈ પરણિત હોવાનું તેમજ તેમને ત્રણ માસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.