ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠું) અને ગાજવીજનું સંકટ ઘેરાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં રવિવારે કુદરતે કહેર વર્તાવ્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો પર આકાશી વીજળી ત્રાટકતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ગઈકાલે બપોર બાદ નસવાડી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગરમી વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. નસવાડીના ચામેઠા ગામે રહેતો અજય હસમુખભાઈ ભીલ નામનો યુવાન તેના અન્ય સાથીદારો સાથે ખેતરમાં મકાઈની લણણીનું કામ કરી રહ્યો હતો. મકાઈના ડોડા ભરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક કાન ફાડી નાખે તેવા કડાકા સાથે વીજળી અજય પર પડી હતી.
વીજળીના જોરદાર આંચકાને કારણે અજય ભીલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેની સાથે કામ કરી રહેલા અન્ય બે વ્યક્તિઓ આબાદ બચાવ પામ્યા હોવા છતાં, નજર સામે બનેલી ઘટના જોઈને હેબતાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને પરિવારજનો ખેતરે દોડી આવ્યા હતા. યુવાનના અકાળે અવસાનથી ચામેઠા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી છે. સ્થાનિક પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નસવાડી પંથકમાં આકાશી વીજળીના ભયંકર કડાકા-ભડાકાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જેને પગલે બપોરના સમયે જ રસ્તાઓ અને બજારો સુમસામ બની ગયા હતા. હવામાન વિભાગની આગાહી હજુ પણ અમલી હોવાથી તંત્ર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે ગાજવીજ સમયે ખુલ્લામાં ન નીકળવા અપીલ કરી છે.