BREAKING NEWS

જામનગર : યાર્ડમાં હયહળ થતી ડુંગળી:ચાની પ્યાલી કરતા પણ સસ્તી કસ્તુરી

  • December 05, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયમાં કૃષિક્ષેત્રે આ વર્ષે પણ ભાવની અનિશ્ર્ચતીતા અને વધતા ખર્ચના કારણે ખેડુતોની હતાશા વધી ગઇ છે રાજયમાં માવઠાના મારે ખેડુતોને પાયમાલ કર્યા છે ત્યારે ડુંગળીના તળીયાના ભાવના કારણે ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દરેક શાકભાજીમાં ડુંગળીનું મહત્વ ખુબ જ હોય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ડુંગળી ખુબ સારુ કામ કરે છે સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ભાવનગર જીલ્લામાં થાય છે ઓણસાલ માવઠાના મારના કારણે સમગ્ર રાજયના ખેડુતની હાલત દયનીય બની ગઇ છે જેમાં અધુરામાં પુરો ડુંગળીનું વાવેતર કરનારા સમગ્ર રાજયના ખેડુતોની દશા પડયા ઉપર પાટુ જેવી સ્થિતી થઇ ગઇ છે કારણ કે ડુંગળીનું વાવેતર કરનારા ખેડુતોને ભાવમાં ઉત્પાદન ખર્ચ પણ નહી મળતા તેમની વર્ષભરની મહેનત પાણીઢોળ થઇ જવા પામી છે સામાન્ય દિવસોમાં ૫૦ થી ૬૦ રૂ. કિલો મળતી ડુંગળીના ભાવ સાવ તળીયે જઇને ૨.૫૦ થી ૫ રૂ. થઇ ગયા છે.


જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી મણના ૪૦ થી ૨૪૦ની આસપાસ મળી રહ્યા છે જે ભાવ ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા કહી શકાય કોરોના સમયમાં આજ ડુંગળીના ભાવ કિલોના ૧૦૦ થી ૧૨૫ થયા હતા અને રેસ્ટોરન્ટમાં પણ નિ:શુલ્ક સંભારારૂપે મળતી ડુંગળી બંધ કરી દેવામાં આવી હતી ખેડુતો ઇચ્છી રહ્યા છે કે આખુ વર્ષ મહેનત કરીને ઉગાડવામાં આવેલ ડુંગળીના ભાવનું બાંધણુ તો હોવું જ જોઇએ અત્યારે સૌરાષ્ટ્રમાં પાન, માવો, ફાકી અને અડધી  ચા પણ ૨.૫ કે ૩માં મળતી નથી ત્યારે ૨ થી ૨.૫ રૂપિયે કિલો ડુંગળી યાર્ડમાં વેંચાઇ રહી છે તે કયાંનો ન્યાય તેમ ખેડુતોના મોઢે ચર્ચાઇ રહ્યુ છે.


 શિયાળામાં દર વર્ષે મફતના ભાવમાં વેંચાતા મરચાના ભાવ લાલચટ્ટક થઇ ગયા છે, જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારે ૧૦૦૦ થી ૩૩૪૦ ભાવ બોલાયા હતા જયારે બીજી તરફ ડુંગળીમાં વરસાદથી બગાડ છતાં ભાવ પાણી પાણી થઇ ચૂકયા છે છૂટક બજારમાં અત્યારે ડુંગળી સાવ સસ્તી અને ટમેટાં મોંઘાદાટ છે ટમેટાનો પાક પણ વરસાદથી બગડયો છે પણ એમાં અછત થઇ ગઇ છે એવું ડુંગળીમાં નથી બન્યુ !


સોૈરાષ્ટ્રભરની છૂટક બજારમાં ડુંગળી એક કિલોદીઠ રૂ.૧૦થી ૨૦માં મળે છે શિયાળામાં આમ તો તમામ શાકભાજી સસ્તા થઇ જાય છે પણ માવઠાએ બધા પાકને બગાડયા છે શાકભાજીનો પણ કેટલોક પાક નાશ પામ્યો છે જોકે વધુ પડતો માલ ગુણવતાની દ્રષ્ટીએ બગડી ચૂકયો છે એટલે ફટાફટ વેંચી નાખવો પડે તેવી સ્થિતી છે ડુંગળી એ પૈકી એક છે ડુંગળી નાશવંત છે અને સાચવી શકાતી નથી એટલે ખેડુતો યાર્ડમાં ઢગલા ઉતારે છે.


ડુંગળીમાં ગુજરાતની સ્થાનિક આવક માંડ ૩૫-૪૦ હજાર ગુણી જેટલી છે પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની ડુંગળીની ખૂબ આવક છે અને નિકાસ બંધ છે એટલે બજાર દબાય છે શિયાળાને લીધે ડુંગળીની વપરાશી માંગ ઘણી ઓછી છે ડુંગળી ગુજરાતની જથ્થાબંધ બજારમાં એક બિલોએ રૂ.૩ થી ૧૨માં એક મહિના પૂર્વે વેંચાતી હતી એનો ભાવ અત્યારે ‚.૨.૨૫ થી ૭ થઇ ગયો છે. 


ડુંગળીની હાલત વધારે ખરાબ છે કારણ કે ખેડુતોને ખેતી ખર્ચ તો ઠીક મંડીમાં વેંચવા માટે જતા ભાડુ પણ નીકળી શકતું નથી સરકારી અંદાજ મુજબ આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ૩૦% લાખ ટન થવાનો અંદાજ છે જયારે ખાનગી એજન્સીઓ ૩૧૭ લાખ ટનનો પાક અંદાજે મૂકે છે એ સામાન્ય કરતા ૧૦ ટકા વધારે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application