ખાનગી શાળા શરૂ કરવા કાલથી શિક્ષણ બોર્ડમાં ઓનલાઇન અરજી કરી શકાશે

  • April 30, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા શૈક્ષણિક સત્રથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળાઓ શરૂ કરવા માટે આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત બોર્ડના સચિવ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા આ સંદર્ભે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ માધયમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્રમિક વર્ગ, સળંગ એકમ અને વધારાના વર્ગ શરૂ કરવા માટેની અરજીઓ આવતીકાલથી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ મારફત કરવાની રહેશે. આવી અરજીઓ આગામી તારીખ 15 જુલાઈ સુધી સ્વીકારવામાં આવશે.

ઓનલાઇન દરખાસ્ત કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન બોર્ડની વેબસાઈટ પર કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યેથી ઈમેલ પર દર્શાવેલ આઈડી અને પાસવર્ડ મારફત લોગીન કરવાનું રહેશે અને ત્યાર પછી બેંકના ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ મારફતે વધારાના વર્ગ, હાલના ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ અને સળંગ એકમની અરજી કરી શકાશે. વર્ગ દીઠ રૂપિયા 15,000 ની ફી ઓનલાઈન ભરવાની રહેશે અને આવી ફી કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી શાળાઓને દર વર્ષે મંજૂરી આપવામાં આવે છે પરંતુ સરકારી કે ગ્રાન્ટેડ નવી શાળાઓ ખોલવામાં આવતી નથી. શિક્ષણ ક્ષેત્રમાં આ પરિસ્થિતિના કારણે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ધીમે ધીમે બંધ થઈ રહી છે અને ખાનગી શાળાઓ મોટા પ્રમાણમાં શરૂ થઈ રહી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ફીના નામે લુટવામાં આવે છે. આવી ખાનગી શાળાઓમાં કવોલિફાઇડ શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં હોતા નથી અને આ બાબતે અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ ખાસ નક્કર કાર્યવાહી ન થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application