રાજકોટ મહાપાલિકાએ કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર પાસે તેમજ પોપટપરામાં નિર્માણ કર્યા બાદ ૧૪ વર્ષ સુધી બંધ પડેલા આવાસો ખંઢેર બની જતા રિપેરિંગ કરી વેંચવા મૂક્યા છે. કુલ ૧૦૫૭ આવાસો માટે ફ્ક્ત ૧૯૦૪ ફોર્મ આવ્યા છે, આવતીકાલે ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
રાજકોટ મહાપાલિકાના આવાસ યોજના વિભાગે અગાઉ મકાન ભાડે આપવાનું આયોજન ઘડ્યું હતું જે નિષ્ફળ જતા અંતે અંદાજે રૂ.૯ લાખની કિંમતના આવાસ બે લાખમાં વેંચાણ માટે મુકયા હતા. વર્ષ-૨૦૧૦માં બીએસયુપી યોજના અંતર્ગત ૫૯.૮૨ કરોડના ખર્ચે એક સાથે ૧૦૫૭ આવાસો બનાવ્યા હતા, દરમિયાન રૈયાધાર ડિમોલિશનના અસરગ્રસ્તોને બે વર્ષ સુધી કામચલાઉ ધોરણે આ આવાસો ફાળવ્યા બાદ છેલ્લા ૧૪ વર્ષથી તાળા મારી દીધા હતા.
૧૪ વર્ષથી બંધ હાલતમાં રહેલા આવાસો
જર્જરિત થયા બાદ ૧૬ કરોડના ખર્ચે રિપેરિંગ કરીને ફક્ત રૂ.બે લાખમાં વેચવા કાઢ્યા તો પણ ખરીદનાર મળતા નથી, એકંદરે પ્રાઇમ લોકેશન ઉપર રૂ.૭૫.૮૨ કરોડનું આંધણ કરીને મનપા તંત્ર પસ્તાયુ છે. જો સમયસર આ આવાસોની કોઇને ફાળવણી કરી આપી હોત તો કોઈ ઘરવિહોણા ગરીબ પરિવારોને ઘરના ઘરની ભેટ મળી હોત પરંતુ મહાપાલિકાના સત્તાધીશોની અણઆવડત અને અધિકારીઓની ઉદાસીનતાને કારણે ૧૦૫૭ પરિવારો ઘરનું ઘર મેળવવાથી વંચિત રહ્યા છે.