BREAKING NEWS

મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મામલે વિપક્ષે મેયર બંગલો ઉપર પોસ્ટર લગાવી ગૌમૂત્ર છાંટ્યું, રાજીનામાની માંગ

  • February 27, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઇ પેઢડીયા દ્વારા ઉપલાકાંઠે સૂચિત સોસાયટીમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ મામલે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા ડિમોલિશન સહિતની કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા આ મામલે આજે વિપક્ષ દ્વારા મેયર બંગલો ખાતે વિરોધ પ્રદર્શન કરતો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં રેસકોર્સ રિંગ રોડ સ્થિત મેયરના સત્તાવાર નિવાસ સ્થાન મેયર બંગલો ઉપર પોસ્ટર લગાવી તેમજ ગૌમૂત્ર છાંટીને શુધ્ધિકરણ કર્યું હતું. આ તકે મેયરના રાજીનામાની માંગ કરાઇ હતી અને જો મેયર રાજીનામું નહીં આપે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.


વિપક્ષના કાર્યકરો દ્વારા રેસકોર્સ રિંગ રોડ સ્થિત મેયર બંગલો ઉપર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા તેમજ ગંગાજળ છાંટી પ્રતિકાત્મક રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરના પ્રથમ નાગરિક પર જો ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવે તો સામાન્ય જનતાનો વિશ્વાસ તૂટે છે અને શાસન વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉભું થાય છે. સરકારી જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો અત્યંત ગંભીર છે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. જો દોષિત સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગેરકાયદે બાંધકામ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ નૈતિક જવાબદારી સ્વીકારી મેયર તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી છે.


આ મામલે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારાઇ છે.


ઉપરોક્ત વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ ભાગ્યરાજસિંહ વાળા અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરીની આગેવાનીમાં હિરલબા રાઠોડ, રણજીત મુંધવા, અક્ષાંશ ગોસ્વામી, યજ્ઞેશ દવે, નરેન્દ્ર પટેલ, રાજ ગધેથરીયા, જલ્પેશભાઇ વાઘેલા, ભાવનાબેન વાધેલા, જયદીપ મકવાણા, નિલેશભાઈ ગોહેલ, ફેનીલ વોરા, રાજ ભટ્ટ સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application