હસવું અને ખુશી વ્યક્ત કરવી એ મનુષ્યની એક સ્વાભાવિક પ્રકૃતિ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ખિલખિલાટ પાછળ ચિમ્પાન્ઝી, ગોરિલા અને ઓરંગુટાન જેવા વાનરોની ઝલક છુપાયેલી હોઈ શકે છે? તાજેતરમાં સામે આવેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, મનુષ્યો અને 'ગ્રેટ એપ્સ' (મોટા વાનરો)ના હસવાનો સંબંધ આશરે દોઢ કરોડ વર્ષ જૂના વહેંચાયેલા પૂર્વજો (સાઝા પૂર્વજો) સાથે જોડાયેલો છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ હાસ્યની એક આખી વંશાવલી છે.
'કમ્યુનિકેશન્સ બાયોલોજી' નામના પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયેલા એક રસપ્રદ સંશોધન અનુસાર, વૈજ્ઞાનિકોએ આ કનેક્શન શોધવા માટે એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે ૧૩ ગોરિલા, ચિમ્પાન્ઝી, બોનોબો અને ઓરંગુટાનને ગલીપચી (ગુદગુદી) કરીને તેમનામાંથી નીકળતા અવાજોને રેકોર્ડ કર્યા હતા. ત્યારબાદ આ અવાજોની સરખામણી ગલીપચી કરવામાં આવેલા નાના બાળકોના હાસ્ય સાથે કરવામાં આવી હતી. આ વિશ્લેષણમાં વૈજ્ઞાનિકોને બંનેના હસવાના અવાજમાં એક અદભુત લય અને સમાનતા જોવા મળી હતી.
વૈજ્ઞાનિકોના મતે, આદિ કાળમાં એટલે કે લાખો વર્ષો પહેલાં જ્યારે મનુષ્યોમાં ભાષા કે બોલીનો વિકાસ થયો ન હતો, ત્યારે હસવું એ જીવિત રહેવા માટેનું એક સબળ માધ્યમ પણ હતું. તે સમયે હાસ્ય એ વાતનો સંકેત આપતું હતું કે, હું તમારો મિત્ર છું, શત્રુ નહીં. મને નુકસાન ન પહોંચાડો. આમ, આ નવો અભ્યાસ સાબિત કરે છે કે આજનું આપણું હાસ્ય એ માત્ર મનોરંજન નથી, પરંતુ કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને અસ્તિત્વ ટકાવી રાખવાની મિકેનિઝમનો એક અતૂટ હિસ્સો છે.