BREAKING NEWS

રાજકોટમાં સોફાના કારખાનામાં આગ ફાટી નીકળી: ટોયલેટમાં ફસાયેલા માલિકનું ગૂંગળામણથી મોત, લાખોનું નુકશાન

  • July 17, 2026 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં હુડકો નજીક ફર્નિચરના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન કારખાનાના માલિક અંદર હોવાનું શ્રમિકો દ્વારા જણાવતા ફાયર બિગ્રેડના જવાનોએ શોધખોળ કરતા ટોયલેટમાં હોવાની જાણ થતા દરવાજો તોડી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગૂંગળામણ થવાથી મૃત્યુ નિપજતા ભારે અરેરાટી મચી જવા પામી હતી. બનાવમાં લાખોનો ફર્નિચરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા જણાઈ રહી છે. ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયામાં હુડકો ચોકડી નજીક સોફા બનાવતા ઉત્તમ સોફા નામના કારખાનામાં આજે સવારે દશેક વાગ્યાના અરસામાં લાગેલી આગે ધીમે ધીમે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ તાકીદે ફાયર વિભાગને કરવામાં આવતા કોઠારીયા ફાયર સ્ટેશનેથી બે અને કનકરોડ ફાયર સ્ટેશનથી એક ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો શરૂ કર્યો હતો. પરંતુ કારખાનામાં સોફા બનાવવા માટે વપરાતું મટિરિયલ ફોર્મ, કાપડ, રેકઝિન અને કેમિકલ જેવો જ્વલનશીલ સામાન હોવાથી આગ વિકરાળ બની હતી જેના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

આગ લાગતા અંદર કામ કરતા કારીગરો ભાગીને બહાર નીકળી ગયા હતા પરંતુ કારખાનાના માલીક ચેતનભાઈ ગોવિંદભાઇ સેલાડિયા ટોયલેટમાં જ ફસાઈ ગયા હતા. આથી ફાયર વિભાગની ટીમને આ અંગે જાણ થતાં જ અંદર પ્રવેશી બાથરૂમનો દરવાજો તોડીને ચેતનભાઈને બેભાન હાલતમાં રેસ્ક્યુ કર્યા હતા. તેમની હાલત અત્યંત નાજુક હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા ભારે ગમગીની છવાઈ હતી.


બીજી તરફ, ફાયર બ્રિગેડના જવાનોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને કાબુ મેળવાયો હતો. દુર્ઘટનામાં સોફાના કારખાનામાં રાખેલો તમામ કાચો માલ, તૈયાર સોફા, મશીનરી અને ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન થયાનું જણાઈ રહ્યું છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું આશંકા સેવાઈ રહી છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.


ફાયર બિગ્રેડ -પીજીવીસીએલ સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ

કારખાનામાં લાગેલી આગથી સ્વજન ગુમાવવાની સાથે લાખોનું નુકસાન થયા વચ્ચે આક્રોશ સાથે કારખાનાના માલિક દેવેન્દ્રભાઈ કાકડિયાએ નિજણાવ્યું હતું કે, મૃતક ચેતનભાઈ મારા બનેવીની સાથે કારખાનામાં ભાગીદાર પણ હતા. આજે સવારે હું ઘરેથી કારખાને જવા નીકળ્યો હતો. ત્યારે બાજુના કારખાનામાંથી ફોન આવ્યો હતો કે, તમારા કારખાનામાં આગ લાગી છે. આથી ગણતરીની મિનિટોમાં કારખાને પહોંચી ગયો હતો. મને જાણ થઇ તે પહેલા ફાયર વિભાગને પણ જાણ કરી હતી. પરંતુ મારા પહોંચ્યા બાદ 15થી 20થી મિનિટ પછી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. જેમાં પણ પહેલા આવેલી ફાયર ફાઇટરે બે મિનિટ પાણીનો મારો ચલાવતા જ પાણી ખૂટી ગયું હતું. બાદ સાતથી આઠ મિનિટ પછી બીજુ ફાયર ફાઇટર આવ્યું હતું. પ્રથમ ફાયર ફાઇટર અને ઓક્સિજન કીટ પણ ન હતી. વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ફાયર બ્રિગેડની ટીમ પોતે અંદર જતી ન હતી અને અમને પણ જવા દેતી ન હતી. જેના લીધે અમારા સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત એક મહિનાથી શોર્ટ સર્કિટ થવા અંગેની પીજીવીસીએલમાં પણ ફરીયાદ કરી હોય છતાં કાર્યવાહી કરવામાં આવી નહતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application