BREAKING NEWS

પીએમ મોદીએ કોલ ન કર્યો એટલે ટ્રમ્પનો અહમ ઘવાયો અને ટ્રેડ ડીલ અટકી ગઈ: અમેરિકી મંત્રી

  • January 09, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ભારત-અમેરિકા વેપાર કરાર અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો ટ્રેડ ડીલ લાંબા સમયથી અટકેલી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે વેપાર કરાર અટકવાનું કારણ કોઈ નીતિગત મતભેદો નહોતા, પરંતુ પીએમ મોદીનો ટ્રમ્પને સીધો ફોન કરવાનો ઇનકાર હતો.


હોવર્ડ લુટનિકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સંપૂર્ણ રૂપરેખા તૈયાર હતી અને બંને દેશો વચ્ચે શરતો પર સહમતિ પણ બની ગઈ હતી. જોકે ટ્રમ્પ ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે તેમને ફોન કરીને આ મુદ્દે વાત કરે, કારણ કે આ ડીલને તેઓ ટ્રમ્પની ડીલ તરીકે જોતા હતા. લુટનિકેના કહેવા મુજબ, ભારત સરકાર આ રીતે આગળ વધવામાં સહજ નહોતી અને અંતે પીએમ મોદીએ ટ્રમ્પને સીધો ફોન ન કર્યો.


લુટનિકે વધુમાં કહ્યું કે આ કોલ ન આવવાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનો અહમ ઘવાયો અને તેની સીધી અસર ટ્રેડ ડીલ પર પડી. પરિણામે, જે ડીલ ભારત માટે રાહતરૂપ થવાની હતી, તે અટકી ગઈ અને ટ્રમ્પે ભારતીય ચીજવસ્તુઓ પર 25થી 50 ટકા સુધીના ભારે ટેરિફ લગાવ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે અમેરિકા જૂની શરતો પર સમજૂતી કરવા તૈયાર નથી અને આ ડીલમાંથી પાછળ હટી ગયું છે.


ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ માટે ગત વર્ષના નવેમ્બરમાં ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી. છ રાઉન્ડની લાંબી ચર્ચા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું. આ વચ્ચે, રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને લઈને પણ ટ્રમ્પ નારાજ હોવાનું મનાય છે, જેની અસરરૂપે ભારતીય ઉત્પાદનો પરના ટેરિફમાં સતત વધારો કરવામાં આવ્યો.


આ તમામ પરિસ્થિતિઓને કારણે બંને દેશો વચ્ચે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય હવે જોખમમાં મુકાયો છે. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર આશરે 191 અબજ ડોલરનો છે. ટ્રેડ ડીલ અટકવાથી બંને દેશોના આર્થિક સંબંધો અને વિકાસની ગતિ પર નકારાત્મક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application