વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં મોદી અને જર્મન ચાન્સેલરે હર હર મોદી ઘર ઘર મોદી અને ભારત-જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો હતો. બંને નેતાઓએ ખુલ્લી જીપમાં જઈને તમામ પતંગબાજોને મળીને તેમની સાથે પતંગ ચગાવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જવા રવાના થયા હતા.
વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરે આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.