ગુજરાત મુલાકાતના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો. સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ઔપચારિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓ સાથે પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થતો હતો, જેને બહાદુરી, હિંમત અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ, પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી હતી. નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરના પરિસરમાં આવેલી હમીરજી ગોહિલ અને સરદાર પટેલની પ્રતીમાને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી.

તેઓ અહીં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને એક સભાને સંબોધિત કરશે. તેમના સંબોધનમાં, વડાપ્રધાન મોદી વિદેશી આક્રમણકારો દ્વારા સોમનાથ મંદિર પર થયેલા હુમલાઓ, તેમની સામે લડનારા વીરોના બલિદાન અને મંદિરના પુનર્નિર્માણ માટે શિલાન્યાસ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરે તેવી અપેક્ષા છે.

સ્વાભિમાન પર્વના સમાપન પછી, પીએમ મોદી રાજકોટ જશે. તેઓ આજે બપોરે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટન પણ કરશે અને સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ એસ્ટેટના વિકાસની જાહેરાત કરશે અને રાજકોટમાં GIDC મેડિકલ ડિવાઇસ પાર્કનું ઉદ્ઘાટન કરશે. સાંજે, પીએમ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર અમદાવાદ મેટ્રો ફેઝ 2 (સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધી) ના બાકીના ભાગનું ઉદ્ઘાટન કરશે.

