વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસીય ઈઝરાયેલના પ્રવાસે છે. આ મુલાકાતના બીજા દિવસે તેમણે ઈઝરાયેલની સંસદને સંબોધિત કરતા હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. પીએમ મોદીએ ઈઝરાયેલની જનતાને સાંત્વના આપતા કહ્યું કે, "ભારત પોતે લાંબા સમયથી આતંકવાદનો ભોગ બન્યું છે, તેથી અમે તમારું દર્દ અને પીડા ખૂબ સારી રીતે સમજીએ છીએ."
આતંકવાદ વિરુદ્ધ અડગ સમર્થન
પીએમ મોદીએ તેમના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં પણ પૂર્ણ વિશ્વાસ સાથે ઈઝરાયેલની પડખે ઊભું છે. તેમણે માનવીય મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું કે, "કોઈપણ કારણોસર નિર્દોષ નાગરિકોની હત્યાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. આતંકવાદને કોઈ પણ સંજોગોમાં વાજબી ગણી શકાય નહીં." નોંધનીય છે કે, નેસેટને સંબોધિત કરનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. જ્યારે તેઓ સંસદમાં પહોંચ્યા ત્યારે તમામ સાંસદોએ ઊભા થઈને હર્ષનાદ સાથે અને 'મોદી-મોદી' ના નારા લગાવીને તેમનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.
નેતન્યાહુએ વ્યક્ત કર્યો અતૂટ વિશ્વાસ
પીએમ મોદીના સંબોધન અગાઉ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ભારત સાથેના સંબંધો પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પીએમ મોદીને સંબોધતા કહ્યું કે, "મોદી મારા ભાઈ સમાન છે અને મારા હૃદયમાં તેમના માટે વિશેષ સ્થાન છે." નેતન્યાહુએ પીએમ મોદીને વિશ્વના અત્યંત સન્માનિત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા હતા.
એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત અને દ્વિપક્ષીય વાટાઘાટો
પીએમ મોદી જ્યારે તેલ અવીવ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વડાપ્રધાન નેતન્યાહુ અને તેમના પત્ની સારા નેતન્યાહુએ રૂબરૂ હાજર રહીને તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રાષ્ટ્રગીતની ધૂન સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર જ બંને નેતાઓ વચ્ચે તેલ અવીવમાં ખાનગી વાતચીત થઈ હતી.
પીએમ મોદી જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં હાજર પ્રવાસી ભારતીયોએ તેમનું સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.