પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન તનાવપૂર્ણ બની રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનેટર પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનના એક વિવાદાસ્પદ નિવેદને બળતામાં ઘી હોમ્યું છે. પલવાશા મોહમ્મદ ઝાઈ ખાને દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેના અયોધ્યામાં નવી બાબરી મસ્જિદની પહેલી ઈંટ નાખશે.
સેનેટર ખાનનું આ નિવેદન પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહમાં આપવામાં આવ્યું હતું. ત્યાં તેમણે કહ્યું, "અયોધ્યામાં બનનારી નવી બાબરી મસ્જિદની પહેલી ઈંટ પાકિસ્તાન આર્મીના સૈનિકો દ્વારા નાખવામાં આવશે અને પહેલી અઝાન ખુદ આર્મી ચીફ અસીમ મુનીર દ્વારા આપવામાં આવશે." તેમણે એમ પણ કહ્યું, "અમે બંગડીઓ પહેરી નથી.પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનના આવા નિવેદનથી બળતામાં ઘી હોમાયું છે.
પલવાશા મોહમ્મદ ઝાઈ ખાનનો પરિચય
પલવાશા મોહમ્મદ ઝાઈ ખાન પાકિસ્તાનના સેનેટર છે અને હાલમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના નાયબ માહિતી સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તે માર્ચ 2021 થી પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહના સભ્ય છે. તેણીએ સિંધ પ્રાંતમાંથી મહિલાઓ માટે અનામત બેઠક જીતી હતી. આ પહેલા, તે 2008 થી 2013 સુધી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભા (સંસદનું નીચલું ગૃહ) ના સભ્ય હતા. પલવાશા ખાન પ્રખ્યાત રાજકારણી અને ઉદ્યોગપતિ ફોઝિયા બહેરામની ભત્રીજી છે. ૧૯૮૮-૯૦ની સામાન્ય ચૂંટણીઓમાં ફૌઝિયા બહેરામ પંજાબ વિધાનસભાની એકમાત્ર મહિલા સભ્ય હતી.
શીખ સમુદાય અંગે આવી ટીપ્પણી કરી
પલવાશા ખાને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન સેનામાં શીખ સૈનિકો ક્યારેય પાકિસ્તાન પર હુમલો કરશે નહીં કારણ કે તે તેમના માટે ધાર્મિક રીતે ખાસ સ્થળ છે. તેમણે કહ્યું, "જો ભારત પાકિસ્તાનને ધમકી આપે છે, તો તેણે તેમને કહેવું જોઈએ કે શીખ સૈનિકો પાકિસ્તાન પર હુમલો નહીં કરે કારણ કે આ સ્થળ ગુરુ નાનકની ભૂમિ છે."