જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં ઘણા કઠિન નિર્ણયો લીધા છે. આના કારણે પાકિસ્તાનની બેચેની વધી રહી છે. પાકિસ્તાને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે આઈએસઆઈ વડા અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિયુક્ત કર્યા છે. આસીમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આસીમ મલિકને આઈએસઆઈ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના સમાચાર મુજબ, હવે પાકિસ્તાને આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે. પાકિસ્તાને આ જવાબદારી એવા સમયે આસીમ મલિકને સોંપી છે જ્યારે ભારત સાથે પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને તાજેતરમાં કહ્યું હતું કે તેણે એવી માહિતીની પુષ્ટિ કરી છે કે ભારત 24 થી 36 કલાકમાં તેના પર હુમલો કરી શકે છે.
એપ્રિલ 2022 થી પાકિસ્તાનમાં કોઈ એનએસએ નથી. પાકિસ્તાનના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ હતા. હવે તેમના પછી આસીમને જવાબદારી મળી છે. તેઓ આઈએસઆઈ ચીફ હોવાની સાથે આ પદ પણ સંભાળશે.
પાકિસ્તાન પહેલા પણ ભારતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિમાં મોટો ફેરફાર કર્યો હતો. ભારતે રોના ભૂતપૂર્વ વડા આલોક જોશીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેમાં કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે એનએસએ બોર્ડમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ કર્યો છે.