ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે કે નહી તે અંગે જબરી ઉત્તેજના સર્જાઈ છે. હવે પાકિસ્તાની મીડિયા તરફથી એવા અહેવાલ સાપડી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે ક્રિકેટના બે કટ્ટર હરીફ 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાની ધરતી પર એકબીજાનો સામનો કરી શકે છે. પાકિસ્તાની પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. ઝાહિદ ગિશ્કોરીએ લખ્યું છે કે ૧૫ ફેબ્રુઆરીએ ટી20 વર્લ્ડ કપ ૨૦૨૬માં પાકિસ્તાન ટીમ ભારત સામે રમશે તેવી પ્રબળ શક્યતા છે. તેમણે આગળ લખ્યું છે કે પાકિસ્તાન સરકારના બે ઉચ્ચ અધિકારીઓએ તેમને શ્રીલંકામાં આ મેચ વિશે માહિતી આપી છે.
અગાઉ, ૮ ફેબ્રુઆરીએ, આઈસીસી પ્રતિનિધિઓ અને પીસીબી વચ્ચે લાહોરમાં વાટાઘાટો થઈ હતી, જેમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ પણ હાજર હતા જે બેઠક લગભગ પાંચ કલાક ચાલી હતી અને એક નિષ્કર્ષ પર પહોંચી હતી. એવી અપેક્ષા છે કે આગામી 24 કલાકમાં ભારત-પાકિસ્તાન મેચ અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.મીટિંગ બાદ પાકિસ્તાન તરફથી યુ-ટર્નની અપેક્ષા છે. આજે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કર્યા બાદ, પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી ભારત સાથે મેચ રમવા માટે લીલીઝંડી આપી શકે છે.
પાકિસ્તાન યુ-ટર્ન લેશે?
પાકિસ્તાન દ્વારા ભારત સામે મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત બાદ, આઈસીસીએ તેના ઉચ્ચ અધિકારીઓને આ મામલાને ઉકેલવા માટે લાહોર મોકલ્યા. ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેઠકમાં પીસીબીના ચેરમેન મોહસીન નકવી અને બીસીબીના પ્રમુખ અમીનુલ ઇસ્લામ, આઈસીસીના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા સહિત, હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈસીસીએ પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપ જેવી વૈશ્વિક ટુર્નામેન્ટમાં પસંદગીયુક્ત ભાગીદારી અસ્વીકાર્ય છે, અને જો પીસીબી આમ કરે છે તો તેને ગંભીર નાણાકીય અને અન્ય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
શ્રીલંકાની ભાવનાત્મક અપીલનો પ્રભાવ
આ સમગ્ર વિવાદમાં સહ-યજમાન શ્રીલંકાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. શ્રીલંકા ક્રિકેટ એ પીસીબીને એક પત્ર લખીને યાદ અપાવ્યું કે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો સામનો કરી રહ્યું હતું, ત્યારે શ્રીલંકાએ ત્યાં ક્રિકેટ પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. નાણાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને, શ્રીલંકાએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાથી તેના પ્રવાસન અને હોટેલ ઉદ્યોગોને નોંધપાત્ર નુકસાન થશે. આ ભાવનાત્મક રમત અને આઈસીસીના કડક વલણને પગલે, પાકિસ્તાન હવે તેના નિર્ણય પર પુનર્વિચાર કરી રહ્યું હોય તેવું લાગે છે.
હવે બધો મદાર આઈસીસી પર: રાજીવ શુક્લા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બેક-ચેનલ વાતચીત દ્વારા ભારત સાથે ટી20 વર્લ્ડ કપ 2026 મેચનો બહિષ્કાર કરવાના નિર્ણય પર ચર્ચા કરી રહ્યું છે. યુ-ટર્ન લેવાની તૈયારી કરી રહ્યું છે.પીસીબીએ પણ આ મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે ફરી ચર્ચા શરૂ કરી છે. શુક્લાએ આ સમગ્ર વિવાદ અને સંભવિત ફેરફારો પર બીસીસીઆઈ ના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે આઈસીસી જે પણ નિર્ણય લેશે તે તેઓ સ્વીકારશે.હકીકતમાં, પાકિસ્તાન સરકારે ભારત અને શ્રીલંકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ટીમની ભાગીદારીને મંજૂરી આપી હતી. જોકે, તેણે ટીમને 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ગ્રુપ મેચમાં ભારતીય ટીમ સામે મેદાનમાં ન ઉતરવાની સૂચના આપી હતી. જોકે, પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાના નિર્ણય બાદ, એવા અહેવાલો આવ્યા છે કે યુ-ટર્ન શક્ય છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે મેચ રમાઈ શકે છે. આ વચ્ચે,બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પ્રતિક્રિયા આપી છે, નિર્ણય આઈસીસી પર છોડી દીધો છે.શુક્લાએ કહ્યું, હું આમાંના કોઈપણ મુદ્દા પર ટિપ્પણી કરીશ નહીં, કે બીસીસીઆઈ વતી હું ટિપ્પણી કરીશ નહીં. બધું આઈસીસીને સુપરત કરવામાં આવ્યું છે. આઈસીસી જે પણ નિર્ણય કે ચુકાદો આપશે તેનું અમે પાલન કરીશું. અમે આ બાબતને સંપૂર્ણપણેઆઈસીસીને સુપરત કરી છે.
પાકિસ્તાનની આઈસીસી સમક્ષ ત્રણ શરતો
પાકિસ્તાને હવે આઈસીસી સમક્ષ ભારત મેચનો બહિષ્કાર સમાપ્ત કરવા માટે ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. આ માંગણીઓમાંથી એક એવી છે જે ભારત સંમત થશે નહીં. પીસીબી વડા મોહસીન નકવીએ આઈસીસી સમક્ષ બહિષ્કારના કોલને સમાપ્ત કરવા માટે ત્રણ માંગણીઓ રજુ કરી હતી.
પહેલી માંગ: પાકિસ્તાન વિશ્વ સંસ્થા પાસેથી વધુ આવક ઇચ્છે છે.
બીજી માંગ: ભારત સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો ફરી શરૂ કરવા જોઈએ.
ત્રીજી માંગ: ભારતીય ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા જોઈએ.
જો કે ભારત બીજી માંગણી ક્યારેય સ્વીકારશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012માં રમાઈ હતી. રાજકીય તણાવને કારણે, છેલ્લા 16 વર્ષથી બંને ટીમો ફક્ત આઈસીસી ટુર્નામેન્ટમાં જ ટકરાઈ છે. ગયા વર્ષે ભારતમાં પહેલગામ હુમલા બાદ, પાકિસ્તાન સામે ભારતનું વલણ વધુ કડક બન્યું છે. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું પણ બંધ કરી દીધું છે. જો પાકિસ્તાનની અન્ય બે માંગણીઓ પૂર્ણ થાય તો પણ દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવી અત્યંત મુશ્કેલ લાગે છે.