સગીરા પર દુષ્કર્મ મામલે પાલીતાણાના શખ્સને ૧૦ વર્ષનો કારાવાસ ફટકારાયો
સગીરા પર દુષ્કર્મ મામલે પાલીતાણાના શખ્સને ૧૦ વર્ષનો કારાવાસ ફટકારાયો
December 02, 2025 02:21 PM
પાલીતાણામાં રહેતા શખ્સે એક સગીરા સાથે દુષ્કર્મ ગુજારતા પાલીતાણા પોલીસ મથકમાં આરોપી સામે ઈ.પી.કો. કલમ ૩૭૬ સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની સજા અને રોકડા રૂા. ૧.૫૦ લાખ દંડની સજા ફરમાવી હતી. પાલીતાણાના આદપર રોડ પર ચુનાની ભાઠી પાસે રહેતા આરોપી દિનેશ ઓઘાભાઈ વાઘેલા (ઉ.વ.૨૭) એ ફરીયાદી સાતેક માસ પહેલા બપોરના આશરે બે વાગ્યે એક વાડી વિસ્તારમાં પીવાનું પાણી કુવાએ ભરવા ગયેલ ત્યારે વાડીની બાજુમાં આવેલ નળ (વોકળુ) માં બહાર જવા જતા હતા ત્યારે દિનેશ વાઘેલા ત્યા આવી ફરીયાદીને પકડી પછાડી બળજબરથી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી ફરિયાદીને સાતેક માસનો ગર્ભ રાખી દઈ ફરીયાદીને આ બાબતે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ગત તા. ૨-૭-૨૦૨૦ ના રોજ ગુનો જાહેર થતા પોલીસે આરોપી સામે ઈ.પી.કો.કલમ ૩૭૬, ૫૦૬(૨), મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી. સેસન્સ જજ એચ. એસ.દવેની અદાલતમાં ચાલી જતા અદાલતે આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી દિનેશ ઓઘાભાઈ વાઘેલા સામે આઈ. પી.સી. કલમ ૩૭૬ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી આરોપીને ૧૦ વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂા. ૧.૫૦ લાખનો દંડ તેમજ આઈ. પી.સી. કલમ ૫૦૬(૨) મુજબ તકસીરવાન ઠેરવી ૨ વર્ષની કેદની સજા તેમજ રોકડા રૂા. ૫,૦૦૦ નો દંડ અદાલતે ફટકાર્યો હતો. તેમજ દંડ ભરે તેમાંથી અપીલ સમય બાદ રૂા. ૧.૨૫ લાખ વળતર તરીકે ભોગ બનનારને ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.