રાજકોટ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત પૂરી થવામા છે અને નવેસરથી ચૂંટણી યોજવા માટેની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી .મળતી માહિતી મુજબ અને સૂત્રોના જણાવ્યા મુજબ એપ્રિલ અથવા મે માસમાં ચૂંટણીની જાહેરાત થાય તેવું લાગે છે. આ બાબતને ધ્યાનમાં રાખી આજે મળેલી રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં બજેટને લગતી કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી.
ચેરમેન પ્રવીણભાઈ કિયાડાના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતિની આ બેઠકમાં એજન્ડા પરના કુલ 39 મુદ્દામાંથી 15 દરખાસ્ત માત્ર પંચાયત ઘર અને પંચાયત ઓફિસ બિલ્ડીંગ કમ તલાટી આવાસ બનાવવા માટેની હતી. 42 ગામમાં આ પ્રકારના આયોજન હાથ ધરવાની દરખાસ્તને આજની બેઠકમાં બહાલી આપવામાં આવી છે.
વિછીયા તાલુકાના કાન્સલોલિયા સનાળા ભડલી પીપરડી ઓરી- બે, ઓરી- ત્રણ ગામમાં નંદઘર બનાવવામાં આવશે. આ ઉપરાંત જસદણ તાલુકાના બરવાળા મદાવા ખડવાવડી નાની લાખાવડ માં પણ નંદ ઘર બાંધવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
પંચાયત ઓફિસ કમ તલાટી આવાસ જ્યાં બનાવવા માટેની દરખાસ્ત બાંધકામ શાખા દ્વારા આજની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી તેમાં ઉપલેટા તાલુકાના અરણી ગણોદ વિછીયા તાલુકાના આસલપુર સનાળી ગોંડલ તાલુકાના કોલીથળ ગુંદાળા, ધોરાજી તાલુકાના સુપેડી વિછીયા તાલુકાના છાસીયા જામકંડોરણા તાલુકાના તરવડા હરિયાસણ નાના પાદરા જામકંડોરણા તાલુકાના દડવી વિછીયા તાલુકાના દેવધરી ભડલી કોટડા સાંગાણી તાલુકાના દેવળીયા નારણકા જૂની ખોખરી વાદીપરા વિછીયા તાલુકાના પાટીયાળી જસદણ તાલુકાના પોલારપર બરવાળા ચિતલીયા ધોરાજી તાલુકાના ભૂખી કલાણા ધોરાજી તાલુકાના ભુતવડ મોટી પરબડી પીપળીયા જસદણ તાલુકાના વીરપર જેતપુર તાલુકાના હરીપર જાંબુડી ખારચિયા અને પ્રેમગઢનો સમાવેશ થાય છે.
કારોબારી સમિતિની બેઠક પૂરી થયા પછી હવે આગામી દિવસોમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે અને તેમાં કારોબારી સમિતિમાં મંજુર થયેલી દરખાસ્તોને અંતિમ બહાલી આપવામાં આવશે. થોડા સમય બાદ ફરી વધુ એક વખત કારોબારી સમિતિની બેઠક મળશે અને તેમાં બજેટની ચર્ચા કરવામાં આવશે. બજેટને કારોબારી સમિતિમાં મંજૂર કર્યા પછી તેને અંતિમ બહાલી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવશે અને આમ સામાન્ય સભા પણ આગામી દિવસોમાં ઉપરાઉપરી બે વખત મળશે તેવું લાગે છે.