BREAKING NEWS

જામનગર : જામખંભાળીયામાં રિલાયન્સ દ્વારા નિર્મિત હાઇસ્કૂલનું પરિમલ નથવાણીના હસ્તે લોકાર્પણ

  • February 05, 2026 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.


સને ૧૯૮૬માં નિર્માણ પામેલી આ શાળાના જર્જરિત બનેલા મકાનમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અંદાજે ૩૦૦ જેટલા કિશોર-કિશોરીઓને વધુ સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ટ્રસ્ટીમંડળ દ્વારા શાળાભવનના નવનિર્માણનો નિર્ણય લઇને પરિમલભાઈ નથવાણીને કરવામાં આવેલી રજૂઆતને ગ્રાહ્ય રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળાભવનના નવનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


૧૦,૦૦૦ ચોરસ ફૂટના પ્લોટ પર ૮,૧૦૦ ચોરસ ફૂટ બિલ્ટ-અપ વિસ્તારમાં રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે માળનું શાળાભવન આધુનિક ક્લાસરૂમ, આચાર્યની ઓફિસ, શિક્ષક રૂમ, એન.સી.સી. ઓફિસ, કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, ક્ધયાઓ અને કુમારો તેમજ સ્ટાફ માટે અલગ-અલગ સેનીટેશન બ્લોક, રમત-ગમતનું મેદાન, સી.સી.ટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી સિસ્ટમ, સોલાર સિસ્ટમ તથા જળ સંરક્ષણ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત અને સંગીતના સાધનો પણ પૂરાં પાડવામાં આવ્યા છે.

​​​​​​​

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ રિફાઈનરીની આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જળ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. મારા વતન ખંભાળિયામાં શિક્ષણ સુવિધામાં વધારો કરવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવ અને આનંદની બાબત છે.


શાળાના નિર્માણમાં સતત માર્ગદર્શન આપવા ઉપરાંત દેખરેખ રાખનાર રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ રિલાયન્સના સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓ પૈકીની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અગાઉ કાના ચીકારી, મોટી ખાવડી, પીપળી, પીપળી સ્ટેશન, નવાણીયા, કાનાલુસ વાડી તેમજ જામનગરના લાલવાડી, મેઘપર અને રામદૂતનગર-જોગવડ ખાતે પ્રાથમિક શાળાઓ તથા સિક્કા, મોટી ખાવડી અને ચોરવાડ ખાતે હાઈસ્કૂલોના મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. તે શ્રેણીમાં આ ચોથી હાઇસ્કૂલ છે.


ખંભાળિયામાં યોજાયેલા આ લોકાર્પણ સમારંભમાં નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતના પદાધિકારીઓ,  ટ્રસ્ટીગણ, સરકારી અધિકારીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિમલભાઈ નથવાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application