દિવાળી અને બેસતા વર્ષના પર્વે રોડ અકસ્માતના અનેક બનાવો નોંધાયા છે, બુધવારના દિવસે સરધાર અને રાજ સમઢીયાળા વચ્ચે ઇનોવા કાર ડિવાઇડર ઠેકીને સામેની સાઈડમાં જઈ રહેલી વેગેનાર કાર સાથે અથડાઈ હતી. ગંભીર અકસ્માતમાં પારુલ યુનિવર્સિટીના પ્રોફેસરનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જયારે કારમાં સવાર પત્ની-પુત્રી સહિત પાંચને ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પરિવાર દિવાળીનો પર્વ હોવાથી વડોદરાથી વતન જસદણ આવ્યા હતા અને અમરેલી રહેતા મિત્રને મળી પરત રાજકોટ આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
મૂળ જસદણના અને બરોડામાં કપુરાઇ ચોકડી પાસે રહેતા અશોકભાઈ પ્રવિણભાઈ પંડ્યા (ઉ.વ.38)ના પોતાની વેગેનઆર કારમાં પત્ની ઉપાસનાબેન (ઉ.વ.36), પુત્રી આંસી (ઉ.વ.8), અમરેલી રહેતા મિત્ર ચિરાગભાઈ સુતરીયા (ઉ.વ.35) ચિરાગભાઈના પત્ની હરિતાબેન (ઉ.વ.35), ચિરાગભાઈનો પુત્ર તથ્ય (ઉ.વ.5) બધા તા. 11ના રોજ અમરેલીથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે સરધાર નજીક રાજ સમઢીયાળા પાસે ઇનોવા કારના ચાલક અશોકભાઈએ સ્ટિયરિંગપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર ઠેકી સામેની સાઈડમાં જઈ રહેલી ઇનોવા કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સર્જાતા પસાર થતા વાહન ચાલકો સહિતના દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અશોકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક અશોકભાઈ વડોદરા ખાતે પારુલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. દિવાળીના પર્વે વતન જસદણ ખાતે આવ્યા હતા અને અમરેલી રહેતા મિત્ર ચિરાગભાઈને મળવા માટે પરિવાર સાથે ગયા હતા અને ત્યાંથી અમરેલીથી રાજકોટ પોતાના કાકાના ઘરે જવાના હતા. ચિરાગભાઈને પણ સગા સંબંધીના ઘરે રાજકોટ જવાનું હોવાથી અશોકભાઈની કારમાં રાજકોટ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન બાઈક ચાલક રોડ ક્રોસ કરતો હોય તેને બચાવવા જ્ત્યા અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application