BREAKING NEWS

રેલવેમાં ૩૩૯ મુસાફર પરિવારો તેમનો સામાન ભૂલી જઇને ઘર ભેગા થઈ ગયા

  • January 03, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF)એ સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદના દાખવી વર્ષ ૨૦૨૫ દરમિયાન ટ્રેનો સહિતના સ્થળોએ મુસાફરો દ્વારા સામાન ભૂલી જવાના કુલ 339 કિસ્સામાં રૂપિયા 40.76 લાખનો કીમતી સામાન શોધીને મુસાફરોને તેમની અમાનત સ્વરૂપે સુપ્રત કરી

કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી- સહ- પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીની સુચના તથા ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF જવાનોએ મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મેળવી છે.

જેમાં વર્ષ ૨૦૨૫ના ૧૨ માસના સમયગાળામાં મુસાફર પરિવારો દ્વારા ટ્રેન, સ્ટેશન સહિતના ૩૩૯ સ્થળોએ ભૂલથી છૂટી ગયેલા સામાનને કુનેહ અને કાર્ય નિષ્ઠાથી કુલ રૂ. ૪૦,૭૬,૩૬૨/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે શોધી કાઢી મુસાફર પરિવારો સુધી પહોંચાડી કર્મનિષ્ઠા પ્રદર્શિત કરી હતી.

આ ઉપરાંત રાજકોટ ડિવિઝન હેઠળના સ્ટેશનો અને પસાર થતી ટ્રેનોમાં પોતાના પરિવારથી વિખૂટા પડેલા અથવા માતા-પિતા વિહોણા ૨૪ બાળકોનું આરપીએફ જવાનોએ રેસ્ક્યૂ કરી સંપૂર્ણ સુરક્ષા સાથે તેમનું પરિવારમિલન અથવા બાળ કલ્યાણ સંસ્થાને સુપ્રત કર્યા હતા.

પરિવારથી કોઈ બાબતે નારાજ થઈને અથવા કોઈ વિપરીત સંજોગોને કારણે પોતાના પરિવારથી દૂર થયેલા ૦૮ વ્યક્તિઓ આરપીએફ સ્ટાફને ધ્યાને આવતા તેમને યોગ્ય સ્થળે કાઉન્સેલિંગ કરીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા.

રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવાના વર્ષ દરમિયાન ૩૦ કેસોમાં ૮૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ ૧૩ વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મુસાફરોના સામાનની ચોરીના ૦૭ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવ્યા હતા.


બિનજરૂરી સાંકળ ખેંચી ટ્રેન રોકનારા ૪૫૪ અળવીતરા સામે કાર્યવાહી

વર્ષ દરમિયાન જુદી જુદી ટ્રેનોમાં ગેરકાયદેસર ચેઈન પુલિંગ કરી ટ્રેન રોકાવી અન્ય સેંકડો મુસાફરોની યાત્રામાં વિક્ષેપ પાડનારા ૪૫૪ તોફાની તત્વોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application