BREAKING NEWS

રાજકોટમાં જુગારના વિષચક્રમાં પટેલ પરિવાર વેરવિખેર, ડ્રગ્સ આપી લાખો રૂપિયા પડાવ્યા, મરણતોલ માર માર્યાનો આક્ષેપ

  • January 17, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં જુગાર અને નશાના કાળા કારોબારે વધુ એક હસતા-રમતા પરિવારની શાંતિ છીનવી લીધી છે. રાજકોટના એક પટેલ પરિવારે પોલીસ કમિશનરના શરણે જઈ ન્યાયની ગુહાર લગાવી છે. પીડિતના જણાવ્યા અનુસાર, ઇવેન્ટ સંચાલકોએ જુગારના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ હવે આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.


નશીલો પદાર્થ પીવડાવી રૂ.13 લાખ હડપ્યા

ફરિયાદીના આક્ષેપ મુજબ, એ.આર. ઇવેન્ટના સંચાલક રાજ વિજય રંગાણી અને અભી જેન્તી ખાનપરા રાજકોટથી ગોવા ખાતે જુગારની ઇવેન્ટ યોજે છે. ગોવાના ફોનિક્સ કેસિનોમાં આયોજિત બે દિવસની ઇવેન્ટ દરમિયાન, ફરિયાદીને પીણામાં સફેદ પાવડર (ડ્રગ્સ) જેવો નશીલો પદાર્થ પીવડાવી દેવામાં આવ્યો હતો. આ નશાની હાલતમાં તેમની પાસેથી જુગારના નામે રૂ.13 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.


બળજબરીથી દાગીના ગીરવે મુકાવ્યા અને મારપીટ કરી

રૂપિયા પડાવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રહી હતી. આરોપીઓએ ફરિયાદીનો 4 તોલાનો સોનાનો ચેન બળજબરીથી બેંકમાં ગીરવે મુકાવી દીધો હતો. એટલું જ નહીં, ફરિયાદીને ઉપાડી જઈ ધોકા અને લોખંડના પાઈપ વડે મરણતોલ માર મારવામાં આવ્યો હતો. આ મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં મહિલાઓને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.


પરિવાર ભયના ઓથાર હેઠળ

આરોપીઓના ત્રાસથી કંટાળી આખો પરિવાર ગભરાઈ ગયો છે. પીડિતે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, જો તેમના પરિવાર સાથે કોઈ પણ અજુગતું પગલું ભરાશે તો તેના જવાબદાર રાજ રંગાણી, તેની પત્ની અને અભી ખાનપરા રહેશે. હાલમાં પોલીસ કમિશનર કચેરીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News