મળતી માહિતી મુજબ, ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026 દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં હતા. આ તકે અનાર પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા આઠ મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી, માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કંઈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.
પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી
અનાર પટેલ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ અમે હતાશ થઇ જઈએ, ત્યારે નરેશભાઈ એક જ વાક્ય કહે છે 'માની ઈચ્છાથી થશે, જે થશે માની ઈચ્છાથી થશે' આપણે એમનામાંથી ઘણું શીખવાનું છે. આ ટ્રસ્ટ એમણે ઉભું કર્યું છે, એમને ઘણા બધા લોકોએ ટેકો આપ્યો છે. આપણે એ બધાને સાથ આપવાનો છે અને એના માટે જ સંગઠિત થવાનું છે. પટેલો પાસે બધું જ છે પણ સમાજ માટે ઘણું કામ બાકી છે. મતભેદ હોવા જોઈએ મનભેદ ન હોવા જોઈએ. નાનામાં નાના પરિવારની ચિંતા કરીને આપણે સાથે કામ કરવાનું છે. આપણા સમાજના વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ.