જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલ અને ઇન્સ્ટીટયુટમાં મીની ખ્યાતીકાંડ ખુલતા ૧૦૫ કેસમાં હ્યદયની સારવારમાં ગેરરીતિનાં ઘટસ્ફોટથી દર્દીઓનાં જીવ તાળવે ચોંટયા છે કારણકે આ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત બીન જરૂરી કાર્ડિયાક સર્જરી કરવામાં આવી હોવાનું ખુલતા જે દર્દીઓની સારવાર કરવામાં આવી છે તેઓ અન્ય હોસ્પિટલમાં પરિક્ષણ કરાવવું કે કેમ તેની મુંઝવણમાં મુકાયા છે. આટલુ જ નહિ ઇન્સ્ટીટયુટમાં સરકારી યોજના અંતર્ગત સારવાર કરાવનાર દર્દીઓ અને પરિવારજનોમાં ઇન્સ્ટીટયુટમાં સારવાર કરાવી તો અમારો શું વાંક એ સવાલ ઉઠયો છે.
જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં ડો. પાર્શ્ર્વ વોરા દ્વારા પીએમજેએવાય યોજનાની માર્ગદર્શિકાનો ભંગ કરી દર્દીઓની હ્યદયની સારવારમાં ગેરરીતિ આચરી નાણાંકીય કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડની તપાસમાં ૨૬૨ કેસમાં ૫૩ દર્દીઓને હ્યદયની સારવારની જરૂર ન હોવા છતાં કાર્ડિયાક સર્જરી કરવામાં આવ્યું હોવાનું ખુલ્યુ છે આટલુ જ નહિ ૧૦૫ દર્દીઓની કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ ખુલી છે. ત્યારે આ હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પ્રધાન જન આરોગ્ય અંતર્ગત હ્યદયની સારવાર કરાવનાર દર્દીઓનાં જીવ તાળવે ચોંટયા છે. કારણકે જે દર્દીઓએ સરકારી યોજના અંતર્ગત સારવાર કરાવી છે તેમાંથી ૫૩ કેસમાં તો સારવારની જરૂર ન હોવાનું ખુલ્યું છે.
આથી જેટલા દર્દીઓએ અત્યારસુધીમાં આ હોસ્પિટલમાં હ્યદયની સારવાર કરાવી છે તે કેસનું પ્રમાણ વધુ છે. આથી કયા દર્દીઓની હ્યદયની સારવારની જરૂર ન હતી છતાં સર્જરી કરવામાં આવી હોય, હાલમાં સારવાર કરાવનાર તમામ દર્દીઓનાં જીવ તાળવે ચોંટયા છે. આટલુ જ નહિ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના અંતર્ગત કાર્ડિયાક સર્જરીમાં ગેરરીતિ ખુલતા સારવાર કરાવનાર દર્દીઓ અન્ય હોસિપટલમાં પરિક્ષણ કરાવવું કે કેમ? તેની મુંઝવણમાં પણ મુકાયા છે. બીજી બાજુ નાણાંની લ્હાયમાં તબીબ દ્વારા પીએમજેએવાય યોજના અંતર્ગત હ્યદયની સર્જરીની જરૂર ન હોવા છતાં ૫૩ કેસમાં આ સર્જરી કરવામાં આવતા તથા ૧૦૫ કેસમાં ગેરરીતિ ખુલતા જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયુટ અને હોસ્પિટલમાં સરકારી યોજના અંતર્ગત હ્યદયની સારવાર કરાવનાર દર્દીઓ અને પરિવારજનોમાં અમારો વાંક શું? તે સવાલ જોરશોરથી ઉઠયો છે.