BREAKING NEWS

દર્દીના સગાએ ડોક્ટરને માર મારતા ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. મેદાને, ડીન-સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદન, ફરિયાદ કરનાર તબીબની હિંમતને દાદ

  • December 30, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જરી વિભાગના ડો.પાર્થ પંડ્યા ઉપર થયેલા હુમલાને પગલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશન મેદાને આવ્યું છે. એસોશિએશના હોદ્દેદારો દ્વારા આજરોજ મેડિકલ કોલેજના ડીન ડો.ભારતી પટેલ અને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાને આવેદન સ્વરૂપે રજૂઆત કરી જણાવ્યું હતું કે, આ ઘટનાને ગુજરાત મેડિકલ ટીચર્સ એસોશિએશન સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ, હુમલો કરનાર શખસને 48 કલાકમાં પોલીસ દ્વારા પકડી પાડી કાયદાની કડક અમલવારી કરવામાં આવે તેમજ ડોક્ટર્સ ઉપર હોસ્પિટલના વોર્ડમાં ઘુસી હુમલો કરવો એ ખુબ ગંભીર બાબત છે, ત્યારે દર્દીઓ માટે કામ કરતા ડોક્ટર્સની સલામતી માટે સરકાર અને સંબધિત તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી પ્રબળ માગ કરી હતી. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મોનાલી માકડીયાએ જણાવ્યું હતું કે, ઘટના ખુબ નિંદનીય છે, આ માટે અમે તપાસ કમિટી નીમી છે, જેના રિપોર્ટ બાદ આગળના પગલા લેવામાં આવશે.


ફરિયાદ કરનાર તબીબની હિંમતને દાદ

સિવિલમાં છાસવારે તબીબ-નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી ઉપર દર્દીઓના સ્વજન દ્વારા બોલાચાલી કરી મારપીટ કરવાના બનાવો બનતા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક તબીબ-સ્ટાફ એકલા રહેતા હોય અને સરકારી નોકરી હોવાથી કોર્ટ કચેરીના ચક્કરમાં ન પડવાની સાથે ભયભીત બનતા ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, જેના કારણે આમ લોકો પણ વાણી વિલાસ કરી જતા રહેતા હોય છે. પરંતુ આ બનાવમાં ભોગબનનાર ડો.પાર્થ પંડ્યાએ જાતે ફરિયાદી બની હુમલોકરનાર શખ્સ સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તબીબની હિંમતને દાદ આપવા લાયક છે. તો બીજી તરફ આરોપીને પોલીસ વહેલી તકે ઝડપી કાયદાનું ભાન કરાવે જેથી આવા બનાવો સિવિલમાં બનતા અટકશે તેવી રજુઆત પણ પોલીસ વિભાગને હોસ્પિટલના તબીબોએ કરી છે.


સિક્યોરિટી એજન્સીને શો કોઝ નોટિસ અપાઈ

હોસ્પિટલના વોર્ડમાં ઘુસી ડોક્ટરને માર મારવાના બનાવમાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડની બેદરકારી ખુલી છે, ડોક્ટર સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા શખ્સને રોકવાની બદલે કે સુપરવાઈઝરને જાણ કરવાની બદલે મહિલા ગાર્ડ ઊભીને તમાશો જોઈ રહ્યા હતા અને મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હોવાનું સીસીટીવી ફુટેજમાં જોવા મળે છે. આ ઉપરાંત જયારે ડો.પાર્થ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે જયદીપ ચાવડાને કોઈ પણ જાતના પાસ વગર વોર્ડની અંદર જવા દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જયારે ડો.પાર્થ ડેસ્ક ઉપર બેઠા હતા ત્યારે ગાર્ડ અંદર આટો લગાવી બહાર નીકળ્યા હતા અને સીધો જ જયદીપ ચાવડા અંદર ઘુસ્યો હતો. આ ગંભીર બેદરકારીના પગલે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કોન્ટ્રાકટ એજન્સીને શો કોઝ નોટિસ આપી તાત્કાલિક અસરથી બેજવાબદારી દાખવનાર ગાર્ડને છુટા કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application