જામનગર શહેર અને જીલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇ ગઇકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં આગામી દિવસમાં દિવાળીના તહેવાર હોય, તે દરમ્યાન જામનગર શહેરમાં શાંતિ તથા ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે બાબત ની ચર્ચા કરવામાં આવી હતી.
તહેવારોમાં કોઇપણ પ્રકારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઇપણ ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરવી નહીં, દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલાં પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ પીયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઇ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું.
ઉપરાંત ફટાકડા જાહેર રોડ પર નહી ફોડવા અને ટ્રાફિક ની સમસ્યા ઉભી ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા. તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ પણે કાળજી રાખવા અને જો કોઇ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.