BREAKING NEWS

કેવડિયામાં સુરક્ષા દળોની પરેડથી લોકો મંત્રમુગ્ધ, દેશના તમામ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી, જુઓ તસવીરો

  • October 31, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મ જયંતિ છે. જેને લઈને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ નરેન્દ્ર મોદીએ સવારે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ યોજાતી પરેડની યાદ અપાવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાને દેશને એકતા દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું.


નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી લોખંડી પુરુષને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યા હતા.


ગુજરાતની બે શાળા દ્વારા એકતા નગરમાં વંદે માતરમના સૂર રેલાવામાં આવ્યા હતા. જેમાં ઢોલ, નગારા અને કરતાલ જેવા અનેક પ્રાચીન વાંજિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વંદે માતરમથી આખું એકતા નગર ગૂંજી ઉઠ્યું હતું. એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં આસામ પોલીસના મોટરસાઇકલ ડેરડેવિલ શોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 


સુરક્ષા દળોની પરેડથી સૌ મંત્રમુગ્ધ

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસેએસબીએ પરેડ યોજી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. તેમજ રાજ્ય પોલીસ દળો અને અન્ય આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા પણ અદભૂત પરેડ યોજાઈ હતી. સીઆરપીએફના પાંચ અને બીએસએફના 16 શૌર્ય ચક્ર વિજેતાઓ પરેડમાં સામેલ થયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જે વિવિધતામાં એકતા થીમને પ્રતિબિંબિત કરે છે.


ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ ગુજરાત કેડરના આઈપીએસએ કર્યું

વડાપ્રધાન મોદીના આગમન બાદ તેમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા પરેડનું પ્રતિનિધિત્વ આઈપીએસ સુમન નાલા કરી રહ્યા હતા. આ ભવ્ય પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોએ એકતાનું પ્રદર્શન કર્યું, જે રાષ્ટ્રના સંકલ્પ અને શક્તિનું પ્રતિક છે. આ વિશાળ અને બહુવિધ પ્રતિનિધિત્વ ધરાવતી પરેડે સરદાર પટેલના અખંડ ભારતના વિઝન અને રાષ્ટ્રની સંયુક્ત શક્તિને મૂર્તિમંત કરી હતી.


ગુજરાત પોલીસની અશ્વ ટુકડીએ આકર્ષણ જમાવ્યું

ગુજરાત પોલીસની અશ્વ ટુકડીએ રાજ્ય પોલીસના જવાનો ઘોડા પર સવાર થઈને પરેડમાં ગૌરવભેર જોડાયા હતા. બીએસએફ ઊંટ ટુકડીએ ભારતીય સરહદ સુરક્ષા દળની પ્રખ્યાત ઊંટ ટુકડીએ પણ ભાગ લીધો હતો, જે પશ્ચિમી સરહદો પરની સુરક્ષાનું પ્રતિક છે. બીએસએફ ઊંટ પર સવાર બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. જે ઊંટ પર સવાર થઈને સંગીતમય પ્રદર્શન કર્યું હતું
ડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા નગર ખાતે યોજાયેલી ભવ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું.


પરેડમાં 16થી વધુ બટાલિયને ઉત્સાહભેર ભાગ લીધો

આ વિશાળ પરેડમાં 16થી વધુ બટાલિયને ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં સીઆરપીએફ અને બીએસએફના શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ સામેલ હતા. આ વિશાળ બટાલિયનોની ભાગીદારી ભારતના વિવિધ સુરક્ષા દળો વચ્ચેની મજબૂત એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાના સામૂહિક સંકલ્પને પ્રદર્શિત કરે છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં બીએસએફ ડોગ સ્ક્વોડનું કૌશલ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું અને સ્થાનિક શ્વાન પ્રજાતિઓ અને વિજેતા 'રિયા'એ કરતબો કરી લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ડોગ સ્ક્વોડમાં ભારતીય સુરક્ષા માટે ખાસ કરીને ઉપયોગમાં લેવાતી સ્થાનિક શ્વાન જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રીય સંસાધનો અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. જેમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનોનો સમાવેશ કરાયો હતો. મુધોલ શિકારી શ્વાન 'રિયા'ના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ઓલ ઇન્ડિયા પોલીસ ડોગ કોમ્પિટિશનમાં વિજેતા બનીને પોતાનું કૌશલ્ય સાબિત કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application