મોબાઇલ ટાવર પર લગાવેલા અતિ સંવેદનશીલ ગણાતા એઝેડએનએ રિમોર્ટ રેડીયો યુનીટની ચોરી કરતી ટોળકીને શાપર પોલીસે ઝડપી લીધી હતી. પોલીસે પુછતાછ કરતા આ ગેંગે શાપર ઉપરાંત રાજકોટ- અમદાવાદમાં મળી સાત ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ટોળકી ડિવાઇઝની ચોરી કરી દિલ્હી મોકલતી અને ત્યાંથી વિદેશમાં વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીમાં અન્ય પણ સામેલ હોય આગામી દિવસોમાં અન્ય રાજયમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવશે. શાપર વેરાવળમાં ખોડીયારનગરમાં આવેલા ઇન્ડીઝ કંપની દ્વારા ઊભા કરાયેલા મોબાઈલ ટાવર ઉપર લગાવેલા અને અતિ સંવેદનશીલ મનાતા બે એઝેડએનએ રીમોર્ટ રેડિયો યુનિટની ચોરી થયા અંગે શાપરમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શનમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરીમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે મોબાઈલ ટાવર પર લગાવેલા રીમોર્ટ રેડિયો યુનિટની ચોરી કરનાર તસ્કર ત્રિપુટીને ઝડપી દીધી હતી. જેના નામ જયદીપ વલ્લભભાઈ બાવળીયા (ઉ.વ.23 રહે. માનસરોવર મહીકા મેઇન રોડ જે.કે. રેસીડેન્સી રાજકોટ, મૂળ ધારૈઇ તા. ચોટીલા), રાહુલ સુરેશભાઈ સતવાણી (ઉ.વ.20 રહે. ધારૈઇ તા.ચોટીલા) અને ધર્મેશ ધીરૂભાઈ મેવાસીયા (ઉ.વ. 20 રહે. નાની લાખાવડ તા. જસદણ) છે. પોલીસે આ ત્રિપુટી પાસેથી બે નોકિયા કંપનીના રિમોર્ટ રેડિયો યુનિટ કિંમત રૂપિયા 1.20 લાખ, એક કાર, ત્રણ મોબાઇલ, પાના, કાપણી ડિસમિસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકીએ અત્યાર સુધીમાં રાજકોટ અમદાવાદ સહિતના સ્થળોએ મળી સાત મોબાઈલ ટાવર પરથી એઝેડએનએ રિમોર્ટ રેડિયો યુનીટની ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આ ગેંગ ટાવર પર ચડી ઇલેક્ટ્રીક વાયરો કાપી નાખી પાના પકડ વડે ડિવાઇસ અને ટાવરથી અલગ કરી તેને લઈ નીચે ઉતરી જતી ત્યારબાદ આ ડિવાઇસ કુરિયર મારફતે દિલ્હી મોકલાવી ત્યાંથી નિષ્ણાંત માણસોની મદદથી વિદેશમાં વેચી દીધી હતી છેલ્લા બે મહિનાથી આ ગેંગ ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એવુ પણ જાણાવ્યું હતું કે, આ ટોળકીમાં અન્ય સામેલ હોવાની માહિતી મળી છે ત્યારે આગામી દિવસોમાં આ ચોરી પ્રકરણમાં અન્ય રાજયમાંથી આરોપીઓને ઝડપી લેવાશે તેવુ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તસ્કર ટોળકીને ઝડપી લેવાની આ કામગીરીમાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણા, પીએસઆઇ એસ.આર. પંડ્યા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ, દિનેશભાઈ ખાટરીયા, પ્રવીણભાઈ મકવાણા, અરવિંદભાઈ ઝાપડિયા, કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ શામળા સાથે રહ્યા હતા. અત્રે ઉલ્લેનીય છે કે, મોબાઈલમાં નેટવર્ક એઝેડએનએ ડિવાઇસની મદદથી આવે છે મોબાઇલ ટાવરની ચારેય દિશામાં આ દિવસ લગાવવામાં આવે છે. કેટલાક ટાવરમાં આઠ ડિવાઇસ લગાડેલા હોય છે જો એક પણ ડિવાઇસ ચોરાઈ જાય તો તેની સીધી અસર નેટવર્ક પર પડે છે.