BREAKING NEWS

પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજીઃ સરકાર અને ડીજીપીને નોટિસ ફટકારી આવો જવાબ માંગ્યો

  • September 25, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી વર્ગ-૩ની ભરતી પ્રક્રિયામાં ત્રીજી જાતિ ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી બનાવીને નોકરી આપવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે સુનાવણી હાથ ધરીને ગુજરાત હાઇકોર્ટે રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ મહાનિર્દેશક ડીજીપીને નોટિસ ફટકારી છે અને આગામી ૨૯ સપ્ટેમ્બર સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા માટે સ્પષ્ટ આદેશ કર્યો છે.

ભાવનગરના ૩૫ વર્ષીય અરજદારના આધાર કાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવવામાં આવી છે. જો કે, તેમણે ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ, ૨૦૧૯ના નિયમ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કલેક્ટર દ્વારા જારી કરાયેલું અધિકૃત ઓળખનું પ્રમાણપત્ર પણ મેળવેલું છે. અરજદારે ગુજરાત પોલીસની વર્તમાન ભરતી પ્રક્રિયા દરમિયાન બિનહથિયારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ની પોસ્ટ માટે અરજી કરી હતી. પોતે ત્રીજી જાતિના હોવા છતાં અને ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલા કેટેગરી જ ઉપલબ્ધ હોવાથી, તેમણે અરજી કરતા પહેલા ડીજીપી ઑફિસમાં રૂબરૂ પૂછપરછ કરી હતી કે તેમણે કઈ કેટેગરીમાં અરજી કરવી જોઈએ. ત્યારે તેમને આધાર કાર્ડમાં જણાવ્યા મુજબની જાતિની કેટેગરીમાં અરજી કરવાની સલાહ આપવામાં આવી હતી.

તદનુસાર અરજદારે મહિલા કેટેગરીમાં અરજી કરી હતી અને તેમણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તથા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી લીધી હતી. આ ઉપરાંત લેખિત પરીક્ષામાં તેમને ૯૪ માર્ક્સ મળ્યા હતા, જ્યારે એસઈબીસી મહિલા કેટેગરીનું કટ-ઓફ મેરિટ ૯૮.૫ માર્ક્સ અટક્યું હતું. ગત ૧૧ જુલાઈના રોજ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તેમણે સત્તાધીશોને રજૂઆત કરી હતી કે તેમની ઉમેદવારીને પુરુષ કે મહિલા કેટેગરીને બદલે ત્રીજી જાતિની કેટેગરીમાં ધ્યાનમાં લેવામાં આવે. પરંતુ સત્તાવાળાઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં તેમને આખરે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ પડી હતી.

અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે તેઓ ટ્રાન્સજેન્ડર સમુદાયમાંથી આવે છે અને વર્તમાન ભરતી પ્રક્રિયામાં માત્ર પુરુષ અને મહિલા પૃષ્ઠભૂમિના ઉમેદવારો માટે જ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪ નો સીધો ભંગ છે. તેમણે જણાવ્યું કે અન્ય ઉમેદવારોની સરખામણીમાં તેમને ઉછેર દરમિયાન સામાજિક કલંક અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અરજદારે ત્રીજી જાતિના ઉમેદવારો માટે અલગ કટ-ઓફ મેરિટ જાહેર ન કરીને સત્તાધીશો દ્વારા ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે અને સુપ્રીમ કોર્ટના 'નાલસા' કેસના ચુકાદા મુજબ નિર્દેશોનો અમલ કરવા માંગ કરી છે. આગામી ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં ભાગ લેવા દેવાની વિનંતીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ૨૯ સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application