BREAKING NEWS

જંગલેશ્વરમાં દોસ્તી ગ્રુપ ગેંગની રંજાળથી મુક્ત કરાવવા પોલીસ કમિશનરને અરજી

  • December 03, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરના જંગલેશ્વર નજીક બાબરીયા કોલોનીમાં રહેતા જાહીદભાઈ ગનીભાઈ ડાકોરાએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી જંગલેશ્વરમાં દારૂ જુગાર ચરસ ગાંજા જેવા નસીલા દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ કરતા અને 50 થી 60 જેટલી વ્યક્તિઓની ગેંગ બનાવી દોસ્તી ગૂપના નામે બે નંબરના ધંધા કરતી ગેંગ દ્વારા પત્નીને માર મારી પુત્રને મારી નાખવાની ધમકીઓ આપવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના આક્ષેપ કર્યા હતા.


ફરીયાદી ઓટો રીક્ષાનું ડ્રાઈવીંગ કરી અમારા પરિવારનું ભરણ-પોષણ કરીએ છીએ. અને આ કામના આરોપીઓ દોસ્તી ચોક, જંગલેશ્વર, રાજકોટ ખાતે રહે છે અને ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા ગેરકાયદેસર ધંધાઓ કરે છે.


આ દોસ્તી ગ્રુપ સામે અગાઉ તા.૨૭/૧૧/૨૦૨૩, તા.૨૨/૧૨/૨૦૨૩ તથા ૧૦/૦૬/૨૦૨૪ આપ અરજીઓ કરેલ છે પરંતુ તે અરજીઓ બાબતે અમોને સંતોષકારક રીતે ન્યાય મળેલ નથી દોસ્તી ગૃપમાં આશરે ૫૦ થી ૬૦ વ્યક્તિઓ ગૃપ મેમ્બર્સ છે અને તેઓ રાજકોટ તથા અન્ય શહેરોમાં ચરસ, ગાંજો, ડ્રગ્સના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે અને પોલીસ ખાતાને ખુબ મોટો હપ્તો પુરો પાડે છે તેવા આક્ષેપ કર્યા હતા.


આ અંગે ભક્તિનગર માં ફરિયાદ કરતા જણાવેલ હતુ કે તમે ગમે તે ફરિયાદ લખાવો પરંતુ અમારે જે કરવું હશે તે જ કરીશુ તમે કહો તેમ ના થાય, કાયદો અમારા હાથમાં છે. અમે ધારીએ તેને પકડીએ અને ધારીએ તેને છોડી દઈએ, તમારા જેવા તો સાંજ પડયે ઘણાં આવે છે. કઈ બાકી કાઢતા હોવાનું અરજીમાં આક્ષેપ કર્યો છે.


દોસ્તી ગૃપના મળતીયાઓ અમારી ઘરે આવીને ત્રણ વખત ધમકીઓ આપી ગયા છે કે તમે કરેલા કેસમાં સમાધાન કરી નાખો નહિં તો ગોંડલમાં રાજકુમાર જાટને એકસીડન્ટમાં પતાવી દીધો અને રીબડામાં અમીત ખુંટને મારીને લટકાવી દીધો અને આત્મહત્યામાં ખપાવી દીધો છતાં પોલીસે ગુન્હેગારોને કશુ કર્યુ નથી. તે રીતે તને અને તારા પુત્રને એકસીડન્ટમાં ઉડાવી દઈશુ અને કેસ હીટ એન્ડ રનમાં ગણતરી થઈ જશે. અથવા તો મારીને ઝાડ પર ટીંગાડી દેશુ અથવા ડેમમાં ફેંકી દઈશુ તો આત્મહત્યાનો કેસ બની જશે. માટે ચુપચાપ તમો કેસ પાછો ખેંચી લ્યો, અમારે પોલીસ સાથે પણ મોટુ સેટીંગ છે અને રાજકારણમાં પણ ઉપર સુધી અમારી પહોંચ છે કારણ કે અમારા હપ્તાઓ ઉપર સુધી જાય છે જેથી અમારો કોઈ વાળ પણ વાંકો નહિ કરે પરંતુ તમે બાપ દિકરો જીવના જશો, આમ અમોને આવી જાત-જાતની ધમકીઓ આપી, ગાળો આપી અમારૂ અપમાન વારંવાર અપમાન કરે છે.


આ દોસ્તી ગૃપના મેમ્બર્સ ગાંજો, ચરસ, ડ્રગ્સ જેવી પ્રવૃતિઓ કરીને દેશનું મહામુલુ યુવાધનને પાયમાલ કરી રહ્યા છે છતાં પણ પોલીસ તેના વિરૂદ્ધ કોઈ ઠોસ પગલા લઈ રહી નથી જેથી તેઓની હિંમત વધી ગયેલ હોય અમારા જેવા સામાન્ય માણસને ડરાવે છે, ઘમકાવે છે.


અમારી આ છેલ્લી ફરીયાદ છે, જો આ ફરીયાદ બાદ પણ જો અમોને યોગ્ય ન્યાય નહિ મળે અને ખરા આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાનૂની કાર્યવાહી નહિ થાય તો અમારે સહ પરિવાર સાથે ડરના માર્યા આત્મહત્યા કરવાનો વારો આવશે. તેમજ આ ગેંગના ત્રાસ માંથી મુક્ત કરાવવા અરજીમાં ઉલ્લેખ કરી ન્યાયની માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application