રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં આવેલા 21 નંબર એક્સ-રે વિભાગની જર્જરીત છતની લોબીમાંથી બપોરના સમયે પોપડા પડતા સદનસીબે દર્દીઓની સંખ્યા નહિવત હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. આ અંગેનો મીડિયામાં તસવીર સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં અંતે રાજ્યના આરોગ્ય વિભાગની જતી આબરૂ ઉપર સમારકામના થીગડાં મારવાનું પીઆઈયુ વિભાગે શરૂ કર્યું છે. જો કે પોપડા ખરવાની વાત હોય કે આખે આખા બ્રિજ ધરાશય થાય દુર્ઘટના ઘટ્યા બાદ જ સરકાર અને તેનું તંત્ર સાબદું બની દોડતું થાય છે. સિવિલના એક્સ-રે વિભાગની લોબીમાં આવેલી છતમાં સળિયાઓ દેખાય આવ્યા ત્યાં સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નહતું અને દર્દીઓ ઉપર રીતસર જોખમરૂપ ઝળુંબી રહ્યું હતું. ત્યાં સુધી પીઆઈયુ કે સિવિલ તંત્રએ ધ્યાન આપ્યું નહતું. જયારે પોપડા પડતા દર્દીઓમાં નાસભાગ થઇ તો તુરંત આરોગ્ય વિભાગની જતી આબરૂ બચાવવા માટે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે માત્ર એક્સ-રે લોબીમાં જ નહીં પરંતુ હોસ્પિટલના ઘણા ખરા વિભાગ જોખમરૂપ હોય તેનો સર્વે કરી અગાઉથી જ સમારકામ કરવામાં આવે તો સિવિલ અને રાજ્યના આરોગ્ય વિભાગની આબરૂ જતી બચી શકશે.