કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારતીય ઉદ્યોગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભારતીય બજારમાં વિદેશી ઉત્પાદનો માટે મર્યાદિત ક્વોટાનો વિરોધ કરવાના ઉદ્યોગના વલણની ટીકા કરી હતી. ગોયલે કહ્યું કે ભારતીય ઉદ્યોગનું આ વલણ નિરાશાજનક છે અને તેમને સંવેદનશીલ સ્થિતિમાં મૂકે છે.
તાજેતરના એક કાર્યક્રમમાં બોલતા, ગોયલે કહ્યું, જ્યારે પણ આપણે કોઈ વિદેશી ઉત્પાદનને નાનો ક્વોટા આપીએ છીએ, ત્યારે તમે બધા હંગામો કરો છો. હું ખૂબ જ નિરાશ છું. આ તમારી છબીને ખૂબ નુકસાન પહોંચાડે છે. તમે વિદેશી બજારો ખોલવા માંગો છો, પરંતુ તમે ભારતીય બજાર ખોલવા માંગતા નથી. આ કામ કરશે નહીં.
ગોયલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત ઘણા દેશો સાથે મુક્ત વેપાર કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે. સરકાર માને છે કે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ખુલ્લા બજાર નીતિ અપનાવવી જરૂરી છે. જો કે ઘણા ભારતીય ઉદ્યોગો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો વિદેશી ઉત્પાદનોની આયાત પર છૂટછાટ આપવાનો વિરોધ કરે છે, કારણ કે આનાથી સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ શકે છે.
દરમિયાન, વાણિજ્ય મંત્રીએ ફરિયાદ કરી હતી કે, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો રાષ્ટ્રવાદી ભાવના ધરાવે છે. આપણી સાથે મુક્ત વેપાર કરાર છે, પરંતુ તેમની કંપનીઓ ફક્ત સ્થાનિક સપ્લાયર્સ પાસેથી જ ખરીદી કરે છે. હું ભારતમાં પણ આ જ માંગણી કરતો રહું છું, પરંતુ કોઈ સાંભળતું નથી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતે અનેક વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારો (એફટીએ ) લાગુ કર્યા છે અને હાલમાં અમેરિકા, ઓમાન અને યુરોપિયન યુનિયન (ઈયુ) સાથે સમાન કરારો માટે સક્રિય વાટાઘાટો ચાલી રહી છે. ગોયલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (ઈએફટીએ ) સાથે એફટીએ લાગુ કર્યા છે. યુકે સાથે પણ વેપાર કરાર કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું, છેલ્લા ત્રણ વર્ષમાં, અમે ઘણા વિકસિત દેશો સાથે એફટીએ પર હસ્તાક્ષર કર્યા છે. અમે હાલમાં યુએસ, ઈયુ, ચિલી, પેરુ, ન્યુઝીલેન્ડ અને ઓમાન સાથે સક્રિય વાટાઘાટો કરી રહ્યા છીએ. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત રોકાણ અને દ્વિપક્ષીય વેપાર બંને માટે પસંદગીનું સ્થળ છે. ગોયલે એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ અમેરિકન બજારમાં ભારતનો હિસ્સો વધારવા માટે બ્રાઝિલ સાથેના પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટને તેના વર્તમાન સ્તરથી આગળ વધારવા માટે ચર્ચાઓ થઈ છે.
ભારતીય અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં છે અને તેમના યુએસ સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરી રહ્યું છે, જે 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ટોચના ભારતીય અને યુએસ નેતાઓએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવા અને ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં તેના પ્રથમ તબક્કાને પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં બીટીએ વાટાઘાટોના પાંચ રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે.
તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ અને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. ભારતે આ ટેરિફને અન્યાયી ગણાવ્યા છે.