અમરેલીમાં ટ્રેનિંગ એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી. ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક સ્લીપ થઈ રન-વે પરથી ઉતરી ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી એરપોર્ટ પર વારંવાર આવી બનતી ઘટનાથી અનેક સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર રાબેતા મુજબ ટ્રેનિંગ ચાલી રહી હતી, ત્યારે એક ટ્રેનિંગ પ્લેન રન-વે પર આવતા જ અચાનક સ્લીપ થઈ ગયું હતું અને રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. એરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ ખાવાને કારણે આ ઘટના બની હતી.
બાદમાં એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને મીડિયા સુધી પહોંચતી અટકાવવા અને વાતને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
અમરેલી એરપોર્ટ પર રનવે પરથી પ્લેન ઉતરી જવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે, જેથી આ બીજી ઘટના છે. ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ નીપજ્યું હતું. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બે મહિના પહેલી પણ અમરેલી એરપોર્ટ પર એક ટ્રેનિંગ પ્લેન લેન્ડિંગ દરમિયાન રન-વે પરથી નીચે ઉતરી ગયું હતું. આ ઘટના 28 સપ્ટેમ્બરના રોજ બપોરે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે બની હતી. સદનસીબે, ટ્રેનિંગ લઈ રહેલા પાયલોટનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. અગાઉ 22 એપ્રિલે અમરેલીના ગીરીયા વિસ્તારમાં એક ટ્રેનિંગ પ્લેન ક્રેશ થયું હતું. તે ઘટનામાં પ્લેનમાં આગ લાગી હતી અને પાયલોટનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.