રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્નકાળના પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ ટીપી બ્રાન્ચને લગતા કુલ ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં ટીપી પ્લોટ્સ બાદ બીજા પ્રશ્નમાં રાજકોટના મુખ્ય રસ્તાઓ પહોળા બનાવવા માટે મનપાએ ક્યાં રસ્તાઓની પસંદગી કરી છે, છેલ્લા ત્રણ વર્ષમાં તે રસ્તાઓ ઉપર શું કામગીરી કરવામાં આવી છે. દરેક રસ્તાઓ પહોળા કરવાના પ્રોજેક્ટ માટેની સમય મર્યાદા શું છે ? કેટલા રસ્તાઓ પહોળા કરવા માટે જમીન સંપાદન બાકી છે. આ જમીન સંપાદન પૂર્ણ કરવા શું કામગીરી કરાઇ છે ? શું આયોજન છે ? તેવા સવાલો પૂછતા ઇન્ચાર્જ ટીપી ઓ આર.ડી.પરમારે જણાવ્યું હતું કે મોટા મવાથી શહેરની હદ સુધીનો કાલાવડ રોડ સહિત કુલ ૪૪ રોડ પહોળા કરવાનું આયોજન છે જે માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકાઇ છે.
ટીપીઓએ ઉપરોક્ત પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ ૪૪ રસ્તાઓ પહોળા કરવા માટે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઇ છે જેમાં હાલ સુધીમાં ૧૭ રોડ પહોળા કરવાની કામગીરી પૂર્ણ થઇ છે, જ્યારે ૨૭માં કાર્યવાહી ગતિશીલ છે અને તે પૈકીના બે રોડ મામલે કોર્ટ કેસ ચાલુ છે. ત્યારબાદ એલઓપી મૂકવામાં આવી હોય તે ૪૪ રસ્તાઓનું લિસ્ટ વાંચ્યું હતું જેમાં મોટામવાથી શહેરની હદ સુધીનો કાલાવડ રોડ, રેલવે જંક્શન સ્ટેશન રોડ, વિરાણી હાઇસ્કુલની પાછળનો રેલવે ટ્રેકને સમાંતર રોડ, સરદાર નગર શેરી નં.૩થી રેલવે ટ્રેક સુધીનો રોડ, વિરાણી હાઇસ્કૂલથી મોદી હાઇસ્કુલ સુધીનો રોડ, બાવીશી પ્લાયવુડથી ભક્તિનગર રેલવે સ્ટેશન પ્લોટ સુધીનો રોડ, ડો.દસ્તુર માર્ગ ઉપર રાજમંદિર ફાસ્ટ ફૂડ વાળી શેરીમાં એવીપીટીથી રેલવે ટ્રેક સુધીનો રોડ, શાસ્ત્રી મેદાનની ફરતેનો રોડ, કેનાલ રોડ, પેડક રોડ, સંત કબીર રોડ સહિતના રસ્તાઓ સમાવિષ્ટ હોવાનું વાંચન કર્યું હતું. આ લિસ્ટ લાંબુ હોય ચર્ચા અધવચ્ચેથી ટૂંકાવી હતી. આ પ્રશ્નના પેટા પ્રશ્નમાં ભાજપના કોર્પોરેટર કેતન પટેલે પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે ટીપી રોડ નેટવર્કમાં ટીપી મંજૂર થયા બાદ કોઇ રોડ ઉપર લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ મૂકી શકાય કે કેમ ? જેના પ્રત્યુતરમાં ટીપીઓએ જણાવ્યું હતું કે, તે માટે સ્કિમ વેરિડ કરવી પડે અને પછી જમીન કપાતના વળતર પેટે જમીન આપી શકાય નહીં. કેતન પટેલે બીજો પેટા પ્રશ્ન પૂછ્યો હતો કે જમીન કપાતના વળતર પેટે જમીન સામે જમીન આપવાનું અન્ય ક્યાં અમલી છે ? તેના પ્રત્યુતરમાં ટીપીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન કપાતના વળતર પેટે જમીન સામે જમીન આપવાનું એક માત્ર રાજકોટ શહેરમાં જ અમલી છે, અન્યત્ર જમીન કપાતના વળતર પેટે એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) કે ટીડીઆર ( ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ) જ આપવામાં આવતા હોય છે.
પ્રત્યાયનના સિધ્ધાંતો મુજબના પ્રત્યુતર મેળવતા મેયર નેહલ શુક્લ
રાજકોટ મહાપાલિકાની આજની જનરલ બોર્ડ મિટિંગમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત એ રહી કે મેયર ડો.નેહલ શુક્લએ અધિકારીઓ પાસેથી પ્રત્યાયનના સિધ્ધાંતો અનુસાર પ્રત્યુતર મેળવ્યા હતા. બન્યું એવું કે, ટીપી બ્રાન્ચને લગતા પ્રશ્નના પ્રત્યુતરમાં અધિકારી લાંબા લચક જવાબો આપી રહ્યા હતા, ક્યા ઝોનમાં ક્યા વોર્ડમાં શું છે તેનું એનેક્સચર વાંચી રહ્યા હતા દરમિયાન સમય વેડફાઇ રહ્યો હોવાનું અને કોર્પોરેટરે પૂછેલા પ્રશ્નનો જવાબ તેમાં ક્યાંય આવી રહ્યો નહીં હોવાનું જણાતા મેયરે ચર્ચામાં હસ્તક્ષેપ કરી કોર્પોરેટરે શું પૂછ્યું છે અને તે શું જાણવા માંગે છે તે અંગે ટીપીઓને સમજ આપી હતી. ત્યારબાદ જે જવાબ જોઇતો હતો તે મળી જતા ચર્ચા ત્યાં ટૂંકાઇ હતી અને આગલા ક્રમના પ્રશ્નની ચર્ચા શરૂ થઇ હતી. ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારે બૌધ્ધિક ચર્ચા થતી ન હતી.