BREAKING NEWS

રાજકોટ, ડીસા અને કંડલામાં 35 ડીગ્રીને પાર કરતું તાપમાન: હજુ ગરમીમાં ત્રણ ડિગ્રી સુધી વધારો થવાની ચેતવણી

  • February 16, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિયાળાની સીઝને વિદાય લીધી હોવાની સત્તાવાર જાહેરાત હજુ હવામાન ખાતાએ કરી નથી પરંતુ ઉનાળાએ એન્ટ્રી મારી લીધી છે. મહત્તમ તાપમાનમાં દિવસો દિવસ વધારો થતો જાય છે અને આગામી બે દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન હજુ ઉચ્ચકાશે તેવી ચેતવણી પણ હવામાન ખાતાએ આપી છે.


રાજકોટ, ડીસા અને કંડલામાં મહત્તમ તાપમાનનો પારો રવિવારે 35 ડીગ્રીને પાર કરી ગયો છે. સમગ્ર રાજ્યમાં દ્વારકા ઓખા અને વેરાવળને બાદ કરતાં બધે જ મહત્તમ તાપમાન 30 થી 35.8 ડિગ્રી જેટલું રહેવા પામ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન ડીસામાં 35.8 ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં 35.3 અને કંડલામાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું.


ઓખા અને દ્વારકામાં ગરમીની ખાસ અસર જોવા મળતી નથી. દ્વારકામાં રવિવારે મહત્તમ તાપમાન 25.8 ડિગ્રી હતું અને ઓખામાં 28.4 ડિગ્રી નોંધાયું હતું .આ બંને શહેરોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અનુક્રમે 94 અને 89% જેટલું નોંધાયું હતું. ઝાકળ વર્ષા જોવા મળી હતી અને તેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.


અન્ય શહેરોના રવિવારના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં 32.8, અમરેલીમાં 34.7, ભુજમાં 34.9, નલિયામાં 32.7, પોરબંદરમાં 33.9 ડીગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારના સમયે જે હોવું જોઈએ તેના કરતાં રાજકોટમાં ૩.૯ ડિગ્રી કંડલા અને ડીસામાં 5.6 ડિગ્રી વધુ તાપમાન છે.


આજે લઘુતમ તાપમાનનો પ્રારંભ પણ સરેરાશ 17 ડિગ્રીથી થવા પામ્યો છે. સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને બપોરે તો સૂર્યપ્રકાશિત વાતાવરણ અને ગરમીના કારણે ઉનાળાનો અહેસાસ લોકો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application