BREAKING NEWS

રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરીઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 40 કિલો ચાંદી સાથે એકને દબોચ્યો, માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર

  • February 08, 2026 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ચંપકનગરમાં થયેલી આશરે ૧૪૦ કિલો ચાંદીની મોટી ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે. આ ચોરીનો કેસ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરીના એક આરોપી પ્રદીપ પ્રજાપતિને ઝડપી લીધો છે અને તેની પાસેથી અંદાજે ૪૦ કિલો ચાંદી જપ્ત કરી છે.


પોલીસ તપાસ મુજબ પ્રદીપ પ્રજાપતિ મહેસાણા ખાતે ચોરીની ચાંદી વેચવા માટે ગયો હતો. તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળી આવેલી ૪૦ કિલો ચાંદી અંગે પૂછપરછ કરતાં સમગ્ર ચોરીના કાવતરાનો ખુલાસો થયો છે.


આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે ચોરીનો મુખ્ય માસ્ટરમાઈન્ડ કમલેશ પ્રજાપતિ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કમલેશ પ્રજાપતિ વર્ષોથી રાજકોટના સોની બજારમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે અને સોના-ચાંદીના વેપારની અંદરની જાણકારીનો ઉપયોગ કરીને તેણે ચોરીનું આયોજન કર્યું હોવાનું માનવામાં આવે છે. કમલેશે પોતાના સાગરિતોની મદદથી મોટી માત્રામાં ચાંદીની ચોરી કરી અને તેને અલગ-અલગ સ્થળે વેચવાની યોજના ઘડી હતી.


હાલ કમલેશ પ્રજાપતિ પોલીસ પકડથી બહાર છે, પરંતુ તેને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો વ્યાપ વધાર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વડોદરા અને સુરત ખાતે ધામા નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને આશંકા છે કે કમલેશ પ્રજાપતિ આ શહેરોમાં છુપાયો હોઈ શકે છે અથવા ત્યાં ચોરીની ચાંદી વેચવાની કોશિશ કરી રહ્યો હોય.


ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં વધુ આરોપીઓની સંડોવણી હોવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હાલ પકડાયેલા આરોપી પ્રદીપ પ્રજાપતિની પૂછપરછના આધારે બાકી રહેલી ચાંદી અને અન્ય સાગરિતો અંગે મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં આ ચોરીમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે અને બાકી ચાંદી પણ જપ્ત કરવામાં આવશે.

 
ચાંદી ચોરી કરનારની કાર રાત સુધી રાજકોટમાં ફરતી રહી

શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર ચંપકનગર શેરી નંબર-૧માં ખત્રીની વાડી પાસે મકાનમાં ચાલતી શક્તિ સિલ્વર નામની પેઢીમાં મંગળવારે મધરાત્રીના કાર લઇ આવેલા તસ્કરો 1.62 કરોડની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવને લઈ સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમે તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો. જે ક્રેટા કારમાં તસ્કરો આવ્યા હતા અને દાગીના લઈ ગયા હતા તે ક્રેટા કાર ગઈકાલ રાજકોટમાં જ અલગ અલગ વિસ્તારોમાં રાત સુધી ફરતી રહી હોવાના સીસીટીવી મળ્યા હતા. જો કે હજુ સુધી કારનું સચોટ લોકેશન મળ્યું નથી તેમજ તેમાં નંબર પ્લેટ ખોટી હોય જેથી કારચાલકના માલિક અંગેની વિગતો પણ જાણી શકાઇ નથી. છેલ્લું લોકેશન ભાવનગર રોડ તરફનું મળ્યું હોય જેથી પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News