BREAKING NEWS

યુપીમાં 1500માં કટ્ટા મળે છે તને મારતા વાર નહીં લાગે...રાજકોટમાં કહેવાતા પત્રકારો ફાટીને ધુમાડે ગયા, છે કોઈ કહેવા વાળું?

  • December 23, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં યલો જર્નાલિઝમ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળ્યું છે, અમુક આવા બની બેઠેલા કહેવાતા પત્રકારોના પાપે લોકશાહીનો ચોથો આધારસ્તંભ ગણાતા સમગ્ર પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પરથી લોકો તેમજ વાચકોનો વિશ્વાસ ડગમગતો જોવા મળી રહ્યો છે, પત્રકારત્વનો ધર્મ લોકોનો અવાજ બની તેમની સમસ્યાઓ તેમજ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો છે પરંતુ અમુક કહેવાતા પત્રકારો લોકોની નબળી કડી કે ભૂલ શોધી અખબારોમાં સમાચાર પ્રસિધ્ધ કરવાનું કહી કે વીડિયો ઉતારી વાયરલ કરવાનું કહી નાણા પડાવવા બ્લેકમેલિંગ કરતા હોવાના કિસ્સા દિવસેને દિવસે સામે આવી રહ્યા છે તે મીડિયા જગત માટે પણ ક્ષોભજનક બાબત ગણાય ત્યારે આવી જ એક ઘટનાનો પુરાવો આપતા કિસ્સામાં તોડબાજ ત્રિપુટી સામે ક્રાઈમ બ્રાન્ચમાં લેખિત ફરિયાદ થઈ છે ત્યાં વધુ એક કહેવાતા બે પત્રકારે ફૂડ પાર્સલ બંધ કરાવતા હોસ્ટેલ સંચાલકને યુવકને મારી નાખવાની ધમકી આપી તેમજ ગર્લ્સ હોસ્ટેલને બદનામ કરવા પ્રયાસ કરતા બે અલગ અલગ ગુના નોંધાયા છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર પ્રધુમન રોયલ હાઈટ્સમાં રહેતા અને ૧૫૦ ફૂટ રિંગ રોડ રહેતા બંકિમભાઈ ક્રાંતિભાઈ મહેતા (ઉં.વ.૪૨) કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસ પાછળ આવેલા બ્રાહ્મણ સમાજ છાત્રાલયમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. બંકિમભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત ૨૧ ડિસેમ્બરે રાત્રે ૧૦:૩૦ વાગ્યા આસપાસ તેઓ તેમજ તેમના મીત્રો ઘેરથી ઈન્દિરા સર્કલ પાસે કારમાં આવી રહ્યા હતા ત્યારે તેમના ફોન ઉપર ફોન આવ્યો હતો જે ઉપાડયો નહોતો.


હું સમય મીરરનો પત્રકાર ભાવેશ વણવી વાત કરું છું

જેથી બીજી વખત ફોન આવ્યો જેમાં ફોન કરનારે કહ્યું હતું કે હું સમય મીરરનો પત્રકાર ભાવેશ વણવી વાત કરું છું. તારે મારા ભાગીદાર ધર્મેશ દોશી સાથે શું માથાકૂટ છે ? કહી ભાવેશ વણવી બેફામ ગાળાગાળી કરવા લાગ્યો હતો જેથી બંકિમભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો, બાદ મિત્રો સાથે રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ બેઠા હતા ત્યારે ફરી ફોન આવ્યો હતો અને અને કહ્યું કે 'હું ભાવેશ વણવી તેમજ ધર્મેશ દોશી સાથે જ છીએ, તારે શું કરવાનું છે ?' તેમ કહી ફરી બન્નેએ બેફામ ગાળો ભાંડી હતી.


બન્નએ એક મહિલાને પણ ફોન આપ્યો હતો

આ ઉપરાંત બન્નએ એક મહિલાને પણ ફોન આપ્યો હતો જેણે પણ બંકિમભાઈને ગાળો આપી હતી અને ભાવેશે કહ્યું હતું કે 'યુપીમાં ૧૫૦૦ રૂપિયામાં કટ્ટા મળે છે, તું પણ રાજકોટમાં રહે છે, તને મારતા પણ વાર નહીં લાગે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ માથાકૂટ થવાનું કારણ એવું છે કે ભાવેશ વણવી અને ધર્મેશ દોશીનું "હટ કે ફૂડઝોન" બ્રાહ્મણ સમાજ છાત્રાલય પાસે આવેલું હોય ત્યાંથી છાત્રાલયમાં પાર્સલ આવતા હોવાને કારણે ગંદકી ફેલાતી હોવાને લીધે પાર્સલ લાવવાની મનાઈ ફરમાવતાં જ બન્નેએ માથાકૂટ શરૂ કરી હતી.


ગર્લ્સ હોસ્ટેલ પર ખોટું આળ મૂકી બદનામ કરવા પ્રયાસ, વધુ એક ગુનો નોંધાયો

કાલાવડ રોડ મણીમા કન્યા છાત્રાલયના પ્રમુખ જયશ્રીબેન મહેતાએ કરેલ ફરિયાદમાં 'સમય મીરર'ના નામે ફોન કરીને ધમકી આપનારા ધર્મેશ ઉર્ફે ધમો દોશી તેમજ તેની સાથે ભાવેશ વણવી અને જય રાવલ સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવલ જેમાં તમારા કન્યા છાત્રાલયમાં છોકરાઓને પણ સાથે અભ્યાસ કરાવવો હોય તો અમને દર મહિને રૂપિયા આપવા પડશે નહીંતર તમારી કન્યા છાત્રાલયને બદનામ કરશું. તમારી સંસ્થાને તાળાં મરાવી દેશું તેવુ ફોન પર ધમકી આપ્યાની ફરિયાદમાં ત્રિપુટી સામે આક્ષેપ કર્યા છે.


અગાઉ ધર્મેશ સામે ખંડણી માંગ્યાનો ગુનો નોંધાયેલો છે

પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે ધર્મેશ દોશી ઉર્ફે ધમા સામે અગાઉ સ્કૂલ સંચાલકની ઓફિસના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ ટોળકી સાથે મળીને સંચાલક પાસેથી ખંડણી માંગવાનો ગુનો ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News