BREAKING NEWS

સુરતમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર 'આપ'નો પ્રવક્તા કાળુ વઘાસિયાને આખરે પોલીસે દબોચ્યો

  • May 10, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાઓ જગાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના મામલે લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનાથી પોલીસની પકડમાંથી દૂર ભાગતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને આખરે પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આ ધરપકડથી રાજકીય આલમમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.


શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના બગસરાના વતની અને હાલ લસકાણા વિસ્તારમાં સ્થાયી થયેલા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર ૨૦૨૪માં એક મહિલા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કેળવ્યો હતો. આરોપીએ પોતાની રાજકીય વગ અને પદની ઓળખ આપી મહિલાને મીઠી વાતોમાં ભોળવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા કેળવ્યા બાદ કાળુએ મહિલા સાથે નિકટતા વધારી હતી.


લગ્નની લાલચ આપી શારીરિક શોષણ

આરોપી કાળુ વઘાસિયાએ પીડિત મહિલાને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે તેને તેની પત્ની સાથે અણબનાવ છે અને તે ટૂંક સમયમાં છૂટાછેડા લઈને તે મહિલા સાથે લગ્ન કરી લેશે. આ ખોટા વાયદાઓ અને વિશ્વાસઘાતની જાળમાં ફસાવીને આરોપી મહિલાને જુદી-જુદી હોટલો અને ઘરે લઈ જતો હતો, જ્યાં તેણે અવારનવાર મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું.


જોકે, જ્યારે મહિલાએ લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને મહિલાને તરછોડી દીધી હતી.


ધમકી અને પોલીસ ફરિયાદ

લગ્નના ઇનકાર બાદ જ્યારે મહિલાએ વિરોધ કર્યો, ત્યારે આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, પોલીસ ફરિયાદ રોકવા માટે તેણે મહિલાને બ્લેકમેલ કરતા કહ્યું હતું કે, "જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ આપઘાત કરી લઈશ અને તારું જીવવું મુશ્કેલ કરી નાખીશ."


પીડિત મહિલાએ આરોપીના ડર અને ધમકીઓ સામે ઝૂકવાને બદલે હિંમત દાખવી ગત ૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે કાળુ વઘાસિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.


પોલીસે આ રીતે કરી ધરપકડ

ફરિયાદ નોંધાયાના સમાચાર મળતા જ કાળુ વઘાસિયા ફરાર થઈ ગયો હતો. તે સતત પોલીસને થાપ આપી રહ્યો હતો. આ ગંભીર કેસમાં લસકાણા પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી કાળુ વઘાસિયા ડાયમંડ નગર સર્વિસ રોડ પાસે છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો.


હાલ લસકાણા પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસમાં વધુ કેટલાક ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકીય પક્ષના હોદ્દેદાર દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યની સુરત શહેરમાં આકરી નિંદા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application