સળિયો કબજે કરવા આરોપીને લઇ જવાયો હતો: ભાગવાની કોશિશમાં એલસીબીના હેડ કોન્સ. ધર્મેશભાઇ બાવળીયાને ધારીયાના ઘા ઝીંકયા: પોલીસના ફાયરિંગમાં આરોપીને બંને ગોળી પગમાં વાગી, આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
આટકોટ પાસેના કાનપર નજીક સાત વર્ષની બાળ ઉપર હેવાનિયત આચરવાના નિર્ભયાકાંડ જેવા બનાવવામાં આરોપીએ તે બાળકીને ખોપી દીધેલો સળિયો કબજે કરવા આરોપીને બનાવસ્થળે એટલે કે આટકોટ પાસેની જુના પીપળીયાની સીમમાં રાત્રીના એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે લઈ જવામાં આવ્યો હતો. પંચનામું પૂરૂ થયા બાદ આરોપી રમેશિંગ ઉર્ફે રામસિંગ તેરસીંગ ડુડવા(ઉ.વ. ૩૧) ને સરકારી ગાડીમાં બેસાડવા જતા તે સમયે તેણે નાસી છૂટવા માટે અહીં પડેલા ધારીયા વડે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળીયા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં હેડ કોન્સ્ટેબલને છાતીના ભાગે તથા હાથના ભાગે ઈજા પહોંચી હતી.
દરમિયાન એલસીબીના પીએસઆઇ એચ.સી. ગોહિલ અને એસઓજીના પી.એસ.આઇ કે.એમ. ચાવડાએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા બંને ગોળી આરોપીના પગમાં વાગી હતી. બાદમાં આરોપી અને ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ બંનેને સારવાર માટે પ્રથમ કેડીપી હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પર હુમલો અને જવાબમાં પોલીસના ફાયરિંગના આ બનાવને લઇ એસ.પી, ડીવાયએસપી અને એલસીબીના પીઆઇ સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે એલસીબીના શાખાના પી.એસ.આઇ. એચ.સી. ગોહિલની ફરિયાદ પરથી આરોપી રામસિંગ સામે ખુની હુમલા સહિતની કલમ હેઠળ આટકોટ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પાસેના કાનપર નજીક સીમ વિસ્તારમાં ખેતમજૂરી કામ કરનાર પરિવારની સાત વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવી હવસ ન સંતોષાતા બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાવી દેવાની આંચકાજનક ઘટનામાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ તપાસ હાથ ધરી આરોપી રમેશ ઉર્ફે રામસિંગ ડુડવા (ઉ.વ. 31 રહે પીપળીયાની સીમ તા. જસદણ, મૂળ હીરાપુર જી. અલીરાજપુર, એમ.પી) ને ઝડપી લીધો હતો. આરોપીના ઝડપી લીધા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા અદાલતે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આટકોટ પોલીસ મથકે પ્રાથમિક પંચનામુ કરી આરોપીએ બાળકીને સળિયો ખુપાવી દીધો હોય તે સળીયો કબજે કરવા માટે આરોપીને બનાવસ્થળે લઈ જવાનો હોય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની સૂચના હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, ધર્મેશભાઈ બાવળીયા, દીપકભાઈ બસીયા તથા એસોજીના પી.એસ.આઇ કે.એમ. ચાવડા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ સહિતની ટીમ તથા આટકોટના એએસઆઇ મનીષભાઈ પરમાર, વિનોદભાઈ વાછાણી, અરવિંદભાઈ ઝાપડિયા આરોપીને લઈ પંચનામુ કરવા માટે ૮:૪૦ વાગ્યે પીપળીયા ગામે પહોંચ્યા હતાં. મુદ્દામાલનો લોખંડનો સળીયો કબજે કરવા અહીં લઈ ગયા બાદ પંચનામું પૂરું થતાં રાત્રીના ૯ વાગ્યે તેને ગાડીમાં બેસાડવા માટે લઈ આવતા હતા ત્યારે અચાનક આરોપી રામસિંગે નજીકમાં જ પડેલા લોખંડના હાથાવાળુ ધારીયુ લઇ નાસી જવાના ઇરાદે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ મનુભાઈ બાવળીયાને મારી નાખવાના ઇરાદે તેના માથાના ભાગે ધારિયાનો ઘા મારવા જતા ધર્મેશભાઈએ માથું નમાવી દેતા તેમના ડાબા હાથમાં બાવળા ઉપર ઇજા થઈ હતી. બાદમાં છાતીનાભાગે ઘા માર્યો હતો અને તે ચલા જા માર દુંગા. તેવી બૂમો પાડતો હતો.
દરમિયાન સ્થિતિ પામી જઇ એલસીબીના પીએસઆઇ એચ.સી. ગોહિલે સ્વ બચાવમાં માટે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ એસોજીના પી.એસ.આઇ કે.એમ. ચાવડાએ પણ સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બંને ગોળી આરોપીના બંને પગમાં ગોઠણથી નીચેના ભાગે લાગી હતી અને આરોપી ત્યાં જ પડી ગયો હતો. બાદમાં આરોપી રામસીંગ અને ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળિયા બંનેને પ્રથમ જસદણ કે.ડી.પી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ પર હુમલાનો પ્રયાસ અને જવાબમાં પોલીસના ફાયરિંગની આ ઘટનાને લઇ એસ.પી વિજયસિંહ ગુર્જર, ડીએસપી કેજી ઝાલા, એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા સહિતના અધિકારીઓ બનાવસ્થળ પર દોડી ગયા હતા. બાદમાં ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ અને આરોપી બંનેની સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે એલસીબી શાખાના પીએસઆઇ એચ.સી. ગોહિલની ફરિયાદ પરથી આટકોટ પોલીસમાં આરોપી રમેસિંગ ઉર્ફે રામસિંહ ડુડવા(ઉ.વ.31) વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ધારીયું ઉગામી આરોપીએ પોલીસને કહ્યું, ચલા જા વરના માર દુંગા
પંચનામુ પૂરું થયા બાદ આરોપી રામસિંગને પોલીસ લઈ જતી હતી તે સમયે તેણે ઓચિંતા અહીં પડેલું ધારીયુ ઉપાડી નાસી જવા માટે પોલીસ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ હેડ કોન્સ્ટેબલને કહ્યું હતું કે, ચલા જા માર દુંગા તેમ કહી ઝનુનપૂર્વક હુમલો કરતા સ્વબચાવમાં એલસીબી અને એસઓજી શાખાના પીએસઆઇએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
એલસીબી-એસઓજી, સ્થાનિક પોલીસનો સ્ટાફ હોવા છતાં ભાગવા માટે આરોપી મરણીયો બન્યો
નિર્ભયાકાંડ જેવી આ ઘટનામાં આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો હોય તે સળીયો કબજે કરવા તેને ગઈકાલ રાત્રિના પંચનામા માટે જુના પીપળીયા ગામની સીમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ સાથે હોય પોલીસનો આટલો મોટો સ્ટાફ હોવા છતાં આરોપી ભાગવા માટે મરણિયો બન્યો હોય તેમ હુમલો કરી નાસી જવાની કોશિશ કરી હતી.
દુષ્કર્મથી લઇ ફાયરિંગ સુધીનો ઘટનાક્રમ
તા.૪ ના કાનપર પાસે બાળકી પર પાશવી દુષ્કર્મ
તા.૮ ના આટકોટમાં પોકસો,દુષ્કર્મની ફરિયાદ
તા.૯ ના આરોપી રામસીંગની ધરપકડ કરાઇ
તા.૧૦ ના કોર્ટે આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા
તા.૧૦ રાત્રીના ૮:૪૦ કલાકે પંચનામા માટે લઇ જવાયો
તા.૧૦ રાત્રીના ૯:૦૦ કલાકે આરોપીનો પોલીસ પર હુમલો
તા.૧૦ રાત્રીના પોલીસનું આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ